પ્રજાનાં પૈસે કુંભસ્નાન કરવા સપરિવાર પહોંચ્યા રાજકોટનાં મેયર
મેયરની ગાડીમાં કપડાં સૂકવવા ગેરવાજબી, આગામી સ્ટેન્ડિંગમાં ઠરાવ કરી પદાધિકારીઓને સામાન્ય ભાડા મુજબ જ ભાડું ચૂકવવું પડે તેવો ઠરાવ કરીશું: સ્ટે. ચેરમેન જયમીન ઠાકર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહેલો છે. આ કુંભમેળામાં હાલ રાજકોટથી હજારો લોકો સ્નાન કરવા પહોંચી રહ્યા છે ત્યારે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા પણ સરકારી ગાડીમાં કુંભ પહોંચ્યા છે એ પણ પ્રતિ કિલોમીટર 2 રૂપિયાનું ભાડું ચૂકવી! આ દરમિયાન રાજકોટ મેયરની સરકારી ગાડીનો કુંભમાં દુરુપયોગ થતો હોવાના દ્રશ્ર્યો સામે આવ્યા છે. કુંભમાં મનપા મેયર નયનાબેન પેઢડિયાની ગાડીમાં કપડાં સૂકાતા હોય તેવા ફોટો વાયરલ થયો છે. આ ફોટો વાયરલ થયા બાદ મેયર અને તેમના પરિવારજનો દ્વારા સરકારી ગાડીના દુરુપયોગને લઈ વાદવિવાદ શરૂ થઈ ગયા છે.
રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા સપરિવાર સરકારી ગાડી લઈ મહાકુંભ ગયા હોવા મામલે સ્ટેડિંગ ચેરમેન જયમીન ઠાકરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પ્રયાગરાજ ખાતે મેયર નયનાબેન પેઢડિયાની ગાડી પર મહિલાઓના કપડા સૂકાતા હોઈ તેવા ફોટો આવ્યા છે, મેયરની ગાડી પર કપડા ન સૂકવવા જોઈએ. આ તદ્દન ગેરવાજબી વાત છે. મેયરને અપાયેલી ગાડી સરકારી ગાડી છે એટલે તેના પર કપડાં તો ન જ સૂકવવા જોઈએ એવું જણાવી જયમીન ઠાકરે વધુમાં કહ્યું હતું કે, મેયર મંજૂરી મેળવીને સરકારી ગાડી રાજ્યની બહાર લઈ ગયા છે. દસ વર્ષ જૂના ઠરાવ મુજબ તેઓને કિલોમીટર દીઠ 2 રૂપિયા મેયર ચૂકવવાના રહે છે જોકે આગામી સ્ટેન્ડીંગમાં ઠરાવ કરીને હવેથી કોઈપણ પદાધિકારીઓને સામાન્ય ભાડા મુજબ ભાડું ચૂકવવાનું રહેશે તેવો ઠરાવ કરવામાં આવશે એવું જયમીન ઠાકરે જણાવ્યું હતું.



