અર્વાચીન દાંડિયા વચ્ચે પણ પ્રાચીન ગરબીનું મહત્વ યથાવત
મવડી વિસ્તારમાં 18 વર્ષથી શ્રી બજરંગ ગરબી મંડળનું નિ:શુલ્ક આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં શેરી ગરબામાં ગરબે રમતી બાળાઓએ પ્રેકટિસ શરૂ કરી દીધી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા સળગતી ઈંઢોણીના રાસની પણ બાળાઓ દ્વારા હાલ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટના મવડી વિસ્તારમાં બાળાઓ હાલ માથા પર સળગતી ઈંઢોણી અને હાથમાં સળગતી મશાલ સાથે રાસના સ્ટેપ્સ શીખી રહી છે. રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમઝાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનુ મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે સળગતી ઇંઢોણીનો રાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હાલ આ જ રાસ માટે બાળાઓ પ્રેક્ટિસ પણ કરી રહી છે.
મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા 18 વર્ષથી ગરબી મંડળનું તદ્દન નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે. જેમાં નવરાત્રીના નવે’ય દિવસ અહીં હજ્જારોની સંખ્યામાં ભાવિકો ગરબે ઘૂમતી બળાઓને નિહાળી આદ્યશક્તિની આરાધનામાં લીન બને છે.



