ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ગરબા રમવાની જાહેરાત કરી
કોમર્શિયલ આયોજકોને શુદ્ધ ભક્તિમય માહોલ જાળવવા પણ તાકીદ
આ નિર્ણયથી વેપારીઓ અને ખાણી-પીણીના સ્ટોલ ચલાવતા પરિવારોને પણ આર્થિક ટેકો મળશે.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે નવરાત્રીનો શુભારંભ થયો છે, ત્યારે ગુજરાતના લાખો ખેલૈયાઓ માટે એક ખુશખબર સામે આવી છે. સુરત ખાતેથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ખેલૈયાઓ આ વખતે મોડી રાત સુધી મન મૂકીને ગરબા રમી શકશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, માં અંબાની ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી. મોડી રાત સુધી ખેલૈયાઓ પૂરા હકથી ગરબા રમશે. તેમણે ગુજરાત પોલીસના તમામ જિલ્લા અને શહેર વડાઓને સૂચના આપી છે કે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાની સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે. આ સાથે જ તેમણે નાના વેપારીઓ અને ખાણી-પીણીના સ્ટોલ ચલાવતા પરિવારોને પણ ટેકો મળે તે માટે વ્યવસ્થાઓ જાળવવા પોલીસને સૂચના આપી છે.
- Advertisement -
સંઘવીએ કોમર્શિયલ ગરબા આયોજકોને પણ ચીમકી આપતા જણાવ્યું હતું કે, “વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી લેવામાં નહીં આવે.” તેમણે આયોજકોને ખેલૈયાઓ માટે પૂરતી વ્યવસ્થાઓ કરવા અને ખાસ કરીને ભક્તિને ખલેલ પહોંચે તેવા કોઈ ગીતો કે ઘટનાઓ ચલાવી ન લેવા સ્પષ્ટપણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, “આ આપણી સંસ્કૃતિ છે અને તેને જાળવવી આપણી સૌની જવાબદારી છે.”
મહિલા ખેલૈયાઓની સુરક્ષા અંગે તેમણે ખાતરી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ પણ તકલીફ જણાય તો વગર વિચારે 112 નંબર પર જાણકારી આપવી. ગુજરાત પોલીસ દરેકની સેવા માટે તત્પર રહેશે. તેમણે સૌને નવરાત્રિની શુભકામનાઓ પાઠવીને સંપૂર્ણ સુરક્ષા અને સ્વસ્થ માહોલમાં ગરબા માણવા અપીલ કરી હતી.
સૌ લોકો પૂરી શક્તિથી, પૂરી એનર્જીથી ગરબા રમવા જાઓ. કોઈ અને પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ બધી જ સમયની વ્યવસ્થાઓ આપણે લોકો કરી રહ્યા છે. પરંતુ મારી બધી જ બહેન-દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે કોઈ પણ જગ્યા પર નાની એવી પણ તકલીફ તમને નજરે પડે, તમે એક્ટિવામાં ગયા છો અને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયું અને હવે ઘરે કઈ રીતે પહોંચશો, તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે.
કોઈ પણ તકલીફ પડે, તમને માત્ર એટલી જ વિનંતી છે કે વગર વિચારે 112 પર એકવાર માત્ર જાણકારી આપી દો. જેથી અમે ઝડપથી આપની મદદમાં ત્યાં પહોંચી શકીએ. આપણે સૌએ જ્યાં જઈએ છે, માતા-પિતા, પરિવારજનો અને આપણા મિત્રોને એની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. એ જ પ્રકારે આપણે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓમાં કોઈ પણ ગેરવ્યાજબી લોકો એ ફાયદો ના લઇ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે આપણે ગોઠવી છે. એટલા માટે આપ સૌને વિનંતી છે કે આ વ્યવસ્થાઓમાં વધુમાં વધુ આપ સૌ લોકો મદદ કરજો.