‘લય, તાલ, સ્વરમાં હોઈએ, બીજું શું જોઈએ! આઠે પ્રહરમાં હોઈએ, બીજું શું જોઈએ!, આઠે પ્રહર આનંદમાં રહીએ, ઈશ્ર્વરમય રહીએ તો અઠ્ઠે દ્વારકા જ છે
હું સામાન્ય રીતે ક્યારેય જાણી જોઈને કોઈ મંદિરમાં દર્શન કરવા જતો નથી. એવું કરવાની મને જરૂર લાગી જ નથી. ક્યાંક જતો હોઉં અને માર્ગમાં કોઈપણ દેવી દેવતાનું મંદિર આવે તો અચૂક રોકાઈ જાઉં છું અને ભાવ પૂર્વક દર્શન કરી લઉં છુ. હિરેન ગઢવીએ સરસ લખ્યું છે,” લય,તાલ,સ્વરમાં હોઈએ, બીજું શું જોઈએ! આઠે પ્રહરમાં હોઈએ, બીજું શું જોઈએ!” આઠે પ્રહર આનંદમાં રહીએ, ઈશ્વરમય રહીએ તો અઠ્ઠે દ્વારકા જ છે. કોઇપણ મંદિરમાં જઉં છું ત્યારે દેવી કે દેવતાની મૂર્તિ, તેનો શણગાર, મંદિરના બારણા, તેની કોતરણી, આસપાસનું વાતાવરણ આ બધું જોવું ખૂબ ગમે છે. મને તો મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને ઉપરનું આકાશ જોવું પણ ખૂબ ગમે છે.પ્રકૃતિએ પવિત્ર વસ્ત્રો પરિધાન કર્યાં હોય તેવો ભાસ થાય છે. જાણે કેલિડોસ્કોપમાં ક્ષણે ક્ષણે આકારો બદલાતા જોતો હોઉં એવું લાગે છે. આપણા તમામ સંતો, મહાત્માઓ, સિદ્ધ પુરુષો એક વાતમાં સંમત છે. પ્રકૃતિ એટલે જ ઈશ્વર. ગયા અઠવાડિયે જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલા શ્રી જટાશંકર મહાદેવના દર્શન કરવા ગયો ત્યારે ઘનશ્યામ વાદળોથી ઘેરાયેલું આકાશ, ઝરમરથી લઈને ઝાપટા સુધીનો વરસાદ, વેગવંત વહેતા ઝરણાં, નાના – મોટા, ગોળાકાર લપસણા કાળમીંઢ પથ્થરો, કૂદાકૂદ કરતા વાંદરાઓ અને ગહેંકતા મોરલાઓ આ બધું જોઈને મનમાં અવશ્ય એક વિચાર આવે કે આટલી રમણીય સૃષ્ટિનો સર્જનહાર કેટલો સુંદર હશે? આઠે પ્રહર મહાદેવ આ ભાવમાં જ રમમાણ રાખે એ જ સાચી ભક્તિ.