36 કલાકમાં સિઝનનો 50% વરસાદ વરસ્યો, 8 લોકોનાં મોત
ઉત્તર ઇટાલીના એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં વિનાશક પૂરના કારણે આઠ લોકોના મોત થયા છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો. પૂર પ્રભાવિત વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નાગરિક સુરક્ષા મંત્રી નેલો મુસુમેસીએ જણાવ્યું હતું કે જેટલો વરસાદ વર્ષ દરમિયાન થાય છે તેનો અડધો તો છેલ્લા 36 કલાકમાં જ વરસી ગયો હતો.
- Advertisement -
ઈટાલીમાં સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન 1000 મીમી વરસાદ પડે છે. જ્યારે હવે ત્યાં 36 કલાકમાં 500 મીમી વરસાદ પડ્યો છે. જેના કારણે નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી, શહેરોના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા અને હજારો હેક્ટર ખેતીની જમીન પૂરની લપેટમાં આવી ગઈ. પૂરના કારણે ઈમોલાની દક્ષિણે, ફેન્ઝા, સેસેના અને ફોર્લીની શેરીઓમાં પાર્ક કરેલી કારોની છત પર કાદવવાળું પાણી ફરી વળ્યું હતું. ઘણી દુકાનો પણ ગંદા પાણીથી ભરાઈ ગઈ હતી અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો.મુસુમેસી અનુસાર, 50,000 લોકો હાલ અંધારામાં જીવવા મજબૂર છે કેમ કે વીજ વ્યવસ્થા ખોરવાઈ ગઇ હતી.
- Advertisement -
વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ટ્વિટ કરીને અસરગ્રસ્તો સાથે એકજૂટતા વ્યક્ત કરી અને કહ્યું કે સરકાર જરૂરી સહાય સાથે દરમિયાનગીરી કરવા તૈયાર છે. સરકારે જાહેરાત કરી કે કટોકટી સેવાઓએ બચાવના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.