– અમેરિકી પ્રમુખે બાંગાને નોમીનેટ કર્યા
આઈઆઈએમ-અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી મૂળ ભારતીય અજય બાંગાને વર્લ્ડ બેંકના વડા તરીકે નોમિનેટ કરાયા છે. આ મહત્વના હોદ્દા પર ભારતવંશીનું નામાંકન દર્શાવે છે કે વિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો છે. બાંગાને 2016માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
- Advertisement -
વ્હાઈટ હાઉસે પદ્મ વિજેતા બાંગાના નોમિનેશનની જાહેરાત કરી હતી. બાંગાનો જન્મ પૂણેમાં થયો હતો. તેમના પિતા હરભજનસિંઘ ભારતીય સેનામાં લેફટેન્ટજનરલના હોદ્દા પરથી નિવૃત્ત થયા હતા. તેઓ આ મહિને નિવૃત્ત થનાર ડેવિડ મેલપાસના અનુગામી બનશે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેલપાસને નોમિનેટ કર્યા હતા. તેમણે પોતાના પાંચ વર્ષના કાર્યકાળથી એક વર્ષ અગાઉ જ હોદ્દો છોડવાની જાહેરાત કરી હતી.
એક પરંપરા મુજબ વર્લ્ડ બેંકના પ્રમુખ તરીકે અમેરિકાની નોમિની જ હોય છે. બાઈડને એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘ઈતિહાસની આ મહત્વના ક્ષણે વર્લ્ડ બેંકને લીડ કરવા માટે અજય એકદમ સજજ છે. તેઓ વિકાસશીલ અર્થતંત્રોમાં રોકાણ લાવવા અને રોજગારી ઉભી કરતી સફળ વૈશ્વિક કંપનીઓને ઉભી કરવા અને સંચાલન કરવામાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.
તેઓ સમયાંતરે મૂળભૂત સુધારા થકી સંસ્થાઓને માર્ગદર્શન આપવામાં મહારત ધરાવે છે. તેઓ લોકો અને સિસ્ટમ્સને મેનેજ કરવાનો તેમજ વિશ્વભરના નેતાઓ સાથે સારા સંબંધો સ્થાપિત કરવાનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. જેના પરિણામો પણ મળ્યા છે’.
- Advertisement -
63 વર્ષીય બાંગાએ હૈદરાબાદમાં સ્કૂલનું શિક્ષણ લીધું હતું અને દિલ્હીના સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજયુએશન કયુર્ં હતું. આઈઆઈએમ- અમદાવાદમાંથી મેનેજમેન્ટ ડિગ્રી મેળવનાર બાંગાએ નેસ્લેથી પ્રોફેશનલ કેરીયરની શરૂઆત કરી હતી. પેપ્સિકો અને સિટીમાં પણ તેમણે મહત્વની જવાબદારી સ્વીકારી હતી. માસ્ટરકાર્ડના સીઈઓ પણ રહી ચૂકયા હતા. હાલમાં તેઓ જનરલ એલાન્ટિકના વાઈસ ચેરમેન છે.