ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
19 ઓકટોબર 2024ના રોજ મૈસુર (કર્ણાટક)માં અશોદય સમિતિ દ્વારા દલિત સેક્સ વર્કર બહેનો માટે વિશાળ સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં આશરે 800 દલિત સેકસ વર્કરોએ ભાગ લીધો હતો. અશોદયના કાર્યક્રમમાં ડાયરેકટર શ્રીમતી લક્ષ્મી, સલાહકાર ડૉ. સુંદર સુંદરરામન અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાએ ભાગ લીધો હતો. દલિત સેકસ વર્કર્સની સમસ્યાઓને સમજવા અને તેમના અધિકારો માટે કામ કરવાના હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. વર્ષ 2004માં સ્થપાયેલી આ સંસ્થા સેકસ વર્કર દ્વારા જ ચલાવવામાં આવે છે. આ સંસ્થા મૈસુર, મંડ્યા, કોડાગુ અને ચિકમગલુર જિલ્લાઓમાં આશરે 1,20,000 સેકસ વર્કર સાથે કામ કરે છે. અશોદય સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય સેકસ વર્કરોમાં એચ.આઈ.વી. અટકાવવાનો અને સરકારી હોસ્પિટલોમાં તેમને સારવાર અપાવવાનો છે. છેલ્લાં બે દાયકાઓમાં તેણે એચઆઈવી દર 25%થી ઘટાડીને 1% કરતાં ઓછો કર્યો છે.
- Advertisement -
એચઆઈવીને કારણે સેકસ વર્કર્સને સામાજિક, આર્થિક અને માનસિક રીતે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમની આ સમસ્યાઓનું નિવારણ લાવવા માટે જ આ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. કોન્ફરન્સમાં ઉપસ્થિત દલિત સેકસ વર્કર્સે તેમની અનેક સમસ્યાઓ રજૂ કરી હતી, જેમાં મુખ્યત્વે- જરૂરી દસ્તાવેજોનો અભાવ, એચઆઈવીને કારણે આર્થિક તંગી, બાળકોનું શિક્ષણ, વ્યાવસાયિક કૌશલ્યોની જરૂરિયાત, સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પોલીસ અને અધિકારીઓનો ડર અને સંસાધનોનો અભાવ જેવી સમસ્યાઓના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી.
મોટા ભાગના સેકસ વર્કર્સ પાસે આયુષ્યમાન ભારત, રેશનકાર્ડ કે અન્ય જરૂરી દસ્તાવેજો નથી, જેના કારણે તેઓ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકતી નથી: કિશોર મકવાણા
આ કોન્ફરન્સમાં કિશોર મકવાણાએ મહિલાઓને સંબોધતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મહિલાઓ અને દલિતો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે અને એ સુનિશ્ર્ચિત કરવામાં આવશે કે આ મહિલાઓને પણ આ યોજનાઓનો લાભ મળે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં આપેલા ન્યાય અને અધિકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ મહિલાઓને પણ આ અધિકાર મળવો જોઈએ.ઉપરાંત કિશોર મકવાણાએ દલિત સેકસ વર્કર્સની સમસ્યાઓ સમજવા માટે તેમના વિસ્તારની મુલાકાત લીધી. વાસ્તવિક પરિસ્થિતિ જોયા પછી કિશોર મકવાણીને એ જાણવા મળ્યું હતું કે ત્યાંની મોટાભાગની મહિલાઓ પાસે આયુષ્યમાન ભારત, રેશનકાર્ડ કે અન્ય જરૂરી દસ્તાવેજો નથી, જેના કારણે તેઓ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકતી નથી. તેમના ઘરમાં ગરીબી અને આર્થિક સુખાકારીનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે કિશોર મકવાણા જિલ્લા કલેકટરને પણ મળ્યા હતા. જિલ્લા અધિકારીઓ સાથે મિટિંગ કર્યા પછી આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની તેમણે ખાતરી આપી હતી. સાથે જ તેઓએ અશોદય અને જિલ્લા કલેકટર વચ્ચે ઈન્ટરફેસ બનાવવાનું આયોજન કર્યું, જેથી આ મહિલાઓ તેમના અધિકારોનો લાભ મેળવી શકે.કિશોર મકવાણાએ મહિલાઓને ખાતરી આપી કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગન દલિત સેકસ વર્કર્સના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે ગંભીર પ્રયાસો કરશે. તેમણે માહિતી આપી હતી કે સિંગલ વિન્ડો ફેસિલિટેશન ડેસ્કની સ્થાપના કરવામાં આવશે, જ્યાં સરકારી અધિકારીઓ અઠવાડિયામાં ત્રણ દિવસ આવશે અને જરૂરી દસ્તાવેજો અને સેવાઓ મેળવવામાં મહિલાઓને મદદ કરશે. આ ઉપરાંત કૌશલ્ય પ્રશિક્ષણ અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ માટે પણ જરૂરી પગલાં લેવામાં આવશે, જેથી મહિલાઓ તેમની આજીવિકા માટે વૈકલ્પિક માધ્યમો વિકસાવી શકે.મુલાકાતનો ઉદ્દેશ્ય માત્ર સેક્સ વર્કર્સની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ નહોતો, પણ તેમના માટે મજબૂત અને સુરક્ષિત ભવિષ્યનો માર્ગ મોકળો કરવા માટે હતો. કિશોર મકવાણાની આ પહેલથી આ મહિલાઓને તેમના અધિકારોની સંપૂર્ણ માન્યતા મળે અને તેમના સામાજિક અને આર્થિક ઉત્થાનની ખાતરી થાય તેવી અપેક્ષા છે.