ગિરનાર યાત્રા કરવા આવતા ભાવિકો માટે આજે રાત્રીના 12 પ્રવેશ નહીં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ ગીરનાર પર્વત પર 17 મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા કાલે 2 ફેબુ્આરીના રોજ યોજાશે.જેમાં દેશભરમાંથી 570 સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મુકશે.
રાજ્યના રમત ગમત યુવા વિભાગ અને વહીવટી તંત્રના સયુંક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધા મંગલનાથજીના આશ્રમ પાસે, ગિરનાર તળેટી, ભવનાથ ખાતેથી રોજ સવારે 6-45 કલાકે ફ્લેગ ઓફ કરી પ્રારંભ થશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ સનાતન ધર્મશાળા, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે બપોરે 12 કલાકે ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે. 17 મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આરોહણ અવરોહણ લઈને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા અન્વયે જૂનાગઢ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તા.2 ફેબ્રુઆરીના ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા હોય ગિરનાર પર્વતના પગથિયા ઉપર યાત્રાળુઓને જવા પર પ્રતિબંધ રહેશે.આ જાહેરનામા મુજબ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.એફ.ચૈાધરી દ્વારા તા.2/02/2025ના રોજ 00-00 કલાકથી બપોરના 12 કલાક સુધી ગિરનાર તળેટીથી અંબાજી મંદિર તરફ જતા ગિરનાર પર્વતની સીડીના પગથીયા ઉપર સ્પર્ધકો સિવાયના અન્ય વ્યક્તિ/યાત્રાળુઓને ગિરનાર પર્વતની સીડીના પગથીયા દ્વારા ઉપર જવા કે નીચે ઉતરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યું છે.