રાષ્ટ્રીય સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ લઈ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના સાઈકલિસ્ટ્સએ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્યુ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.5
- Advertisement -
‘વંદે માતરમ’ ગાનના 150 વર્ષની સ્મૃતિમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (ઈઈંજઋ) દ્વારા આયોજીત રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોનના સાઈકલિસ્ટ્સ આજે સવારે સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતાં. રાષ્ટ્રીય સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ લઈ ગીર સોમનાથ પહોંચેલા તમામ સાઈકલિસ્ટ્સોએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતાં. માધવપુર બીચ થઈને ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરતાં જ ડારી ટોલનાકા પાસે એન.જે.સોનેચા મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ ખાતે સાઈકલ રેલીના તમામ સાઈકલિસ્ટ્સનું વિદ્યાર્થીનીઓએ કુમકુમ-તિલકથી ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અહીં ટૂંકાગાળાના રોકાણ બાદ સાઈકલ રેલી સોમનાથ પહોંચી હતી. સી.આઈ.એસ.એફ. આસિસ્ટન્ટ કમાન્ડર પ્રવિણકુમારે જણાવ્યું હતું કે, ‘વંદે માતરમ કોસ્ટલ સાઈક્લોથોન’ની થીમ સાથે યોજાયેલી આ રેલી અત્યારે સોમનાથ પહોંચી છે. “વંદે માતરમ્” ગાનના 150 વર્ષની સ્મૃતિમાં રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોન યોજાઈ રહી છે. લખપત થી કેરળ સુધી 6600 કિ.મીનું અંતર કાપી અને 25 દિવસમાં સાઈક્લોથોન પૂર્ણ થશે. વિવિધ પડાવો દરમિયાન સ્થાનિક નાગરિકો અને માછીમાર સમુદાય સાથે વાતચીત તેમજ નાગરિકો સાથે સંવાદ સાધવામાં આવી રહ્યો છે. દરિયાકાંઠો એ ભારતના વિકાસમાં પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. ‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત’ અંતર્ગત સમુદ્રતટની સુરક્ષા એ આપણા સૌની સહિયારી જવાબદારી છે એમ જણાવી તેમણે કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ અથવા તો ગતિવિધિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાઈકલિસ્ટ્સોને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન સાથે જ મહેશ્વરી અતિથિ ભવનમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સોમનાથ ખાતે દર્શન અને ભોજનપ્રસાદ ગ્રહણ કરી અને દિવ તરફ પ્રસ્થાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 28 જાન્યુઆરી 2026ના રોજ લખપત કિલ્લા (ભુજ) થી પ્રસ્થાન થયેલી આ રેલી 6,600 કિલોમીટરનું અંતર કાપી નવ દરિયાકાંઠાના રાજ્યોમાંથી પસાર થઈને 21 ફેબ્રુઆરી 2026ના રોજ કોચી (કેરળ) ખાતે આ સાયકલ રેલી પૂર્ણ થશે.



