1થી 19 વર્ષના 2.72 લાખથી વધુ બાળકોને શાળા અને આંગણવાડીમાં કૃમિ નાશક ગોળી ખવડાવાઇ
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસને લઇને 1 થી 19 વર્ષના 2.72 લાખથી વધુ બાળકોને શાળા અને આંગણવાડીમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કૃમિનાશક ગોળી આપી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆ અને પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડો.અરુણ રોયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના તાલુકામાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1 વર્ષ થી 19 વર્ષના બાળકોને શાળા અને આંગણવાડી પર આરોગ્ય કર્મચારી દ્વારા 2,72,220 જેટલા બાળકોને કૃમિ નાશક ગોળી (આલ્બેન્ડાઝોલ) ખવડાવવામાં આવી હતી. કૃમિના ચેપથી બાળકના સ્વાસ્થ્ય પર અનેક હાનિકારક અસરો જોવા મળે છે. જેવી કે લોહીની ઉણપ(પાંડુરોગ), કુપોષણ, ભૂખ ન લાગવી, બેચેની, પેટમાં દુ:ખાવો, ઉલ્ટી અને ઝાડા, વજન ઓછું થવું. આ બધી હાનિકારક અસરોને નિયંત્રણમાં લેવા માટે વર્ષમાં બે વખત રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણીના ભાગ રૂૂપે 1 થી 19 વર્ષના બાળકોને કૃમિ નાશક ગોળી ખવડાવવામાં આવે છે.



