દર્શિત ગાંગડીયા
નાથ સંપ્રદાય વિશે એક ટૂંકો પરિચય. આ સંપ્રદાય ભારતના હિન્દુ ધર્મનો એક ભાગ છે. નાથ સંપ્રદાયમાં દીક્ષાર્થીઓને સન્યાસી, યોગી, જોગી, નાથ, દશનામ ગોસ્વામી, ગિરી ગોસ્વામી (બિહાર), ઉપાધ્યાય (પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં) નામોથી પણ ઓળખવામાં આવે છે. મધ્ય યુગમાં ઉદ્ભવેલા આ સંપ્રદાયમાં, શૈવ અને યોગની પરંપરાઓનો સમન્વય જોવા મળે છે. જેમાં યોગીઓ હઠયોગ કરતા હોય છે. ભગવાન શિવ (દેવાધી દેવ મહાદેવ) આ સંપ્રદાયના પ્રથમ ગુરુ, દેવતા અને સર્વેસર્વા મનાય છે. આ ઉપરાંત, આ સંપ્રદાયમાં ઘણા ગુરુઓ હતા, જેમાંથી ગુરુ મત્સ્યેન્દ્રનાથ, ગુરુ શંકરાચાર્ય અને ગુરુ ગોરખનાથ સૌથી પ્રખ્યાત છે. નાથ સંપ્રદાય સમગ્ર ભારતમાં ફેલાયેલો છે. નાથ સંપ્રદાયમાં દીક્ષાર્થી સાધુઓ એક તપસ્વી જેવું જીવન જીવે છે અને પોતાના જીવનનો મહત્તમ સમય સાધના (હઠ યોગ)માં પસાર કરે છે. ગુરુ ગોરખનાથે આ સંપ્રદાયના છૂટાછવાયા અનુયાયીઓને એક કર્યા અને આ સંપ્રદાયના યોગ ઉપદેશો એકત્રિત કર્યા, તેથી ગોરખનાથને તેના સ્થાપક માનવામાં આવે છે. દશનામી ગોસ્વામી પણ નાથ સંપ્રદાય હેઠળનો એક પેટા-સંપ્રદાય છે, જેમાં ગિરી, પુરી, ભારતી, પર્વત, સરસ્વતી વગેરે વંશીય જૂથોનો સમાવેશ થાય છે. જો આપણે નાથ સંપ્રદાયમાં શિષ્યોને આપવામાં આવતી દીક્ષા સંબંધિત પરંપરાઓ વિશે વાત કરીએ, તો પ્રાચીન કાળથી આ સંપ્રદાયમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. કોઈપણ જાતિ, રંગ કે ઉંમરનો કોઈપણ વ્યક્તિ આ સંપ્રદાય અપનાવી શકે છે. નાથ સંપ્રદાય અપનાવ્યા પછી કઠોર તપસ્યા બાદ દીક્ષા આપવામાં આવતી હોય છે. દીક્ષા પહેલાં અને પછી, ગુરુ દ્વારા નક્કી કરાયેલા નિયમોનું કડક પાલન સાથે અનુશાસનમાં જીવન જીવવાનું રહે છે. આ સમયગાળા દરમિયાન, કઠોર તપસ્યા કરીને સિદ્ધિ પ્રાપ્ત કરવા ઉપરાંત, તેમની પાસે સંપ્રદાયના ઉપદેશોનો પ્રચાર કરવાની મહત્વપૂર્ણ જવાબદારી પણ હોય છે. હાલમાં પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં નાથ યોગીઓનો એક વિશેષ સમુદાય જોવા મળ્યો હતો. હિંદુ સમાજ જ નહીં પરંતુ સર્વે લોકો દ્વારા નાથ યોગીઓને ખુબ માન આપવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં તેઓને ખૂબ જ આદર આપવામાં આવે છે.
- Advertisement -
નાથ સંપ્રદાય વિશે જાણવા જેવી વાતો
નાથ સંપ્રદાયની સ્થાપના 8મી કે 9મી સદીની આસપાસ થઇ હતી.
નાથ સંપ્રદાયમાં માનનારા તમામ જયારે એકબીજાને મળે ત્યારે સૌ પ્રથમ
“આદેશ” શબ્દ બોલે છે.
ગુરુ આદિનાથે દરેક નાથ માટે કુંડળ પહેરવાનું ફરજિયાત બનાવ્યું.
નાથ યોગીઓના કાન વીંધેલા હોવાથી તેમને કાનફટા યોગી પણ કહેવામાં
આવે છે.
’નવનાથ’ એ નાથ સંપ્રદાયમાં થયેલા જોગીઓ છે. આદિનાથ ઉપરાંત, આઠ
અન્ય નાથ યોગીઓ મત્સ્યેન્દ્રનાથ, ગોરખનાથ, જાલંધરનાથ, કાનિફનાથ,
ચર્પટીનાથ, ભર્તૃહરિનાથ, નાગનાથ, રેવણનાથનો સમાવેશ થાય છે.
જુનાગઢની પાસે આવેલા ગિરનાર પર્વતને નવનાથ અને ચોરાસી સિધ્ધોનું
નિવાસ સ્થાન ગણવામાં આવે છે. મહાશિવરાત્રીનાં દિવસે ભરાતા ભવનાથનાં
મેળામાં તેમજ મૃગીકુંડમાં નવનાથ યોગીઓ સ્નાન કરવા આવે છે.
હિન્દુ પરંપરામાં હઠયોગ વિશે સંસ્કૃતમાં રચાયેલા અસંખ્ય ગ્રંથો ગોરક્ષનાથને
આભારી છે.
નાથ સંપ્રદાયમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર ભગવાન દત્તાત્રેય અને
ભગવાન શિવને પ્રથમ ગુરુ માનવામાં આવે છે.
ગુરુ મત્સ્યેન્દ્રનાથને શિવ પાસેથી દીક્ષા મળી હતી, તેથી તેમને આદિનાથ
તરીકે પણ ઓળખવામાં આવે છે.
નાથ સંપ્રદાયના યોગીઓ યોગાસન, નાડી જ્ઞાન, શતચક્ર નિરૂપણ અને
પ્રાણાયામ કરીને સમાધિ પ્રાપ્ત કરે છે.
યોગીઓના મૃત્યુ બાદ તેઓને સમાધિ આપવામાં આવે છે.