ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા, તા.18
અમેરિકન સ્પેસ એજન્સી નાસા ચંદ્ર મિશનની મોટાપાયે તૈયારીઓ કરી રહી છે. 1972 બાદ આર્ટેમિસ મિશન સાથે નાસા ફરી એકવાર ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ સાથે જ તેમની અવકાશયાત્રીઓને લાંબા સમય સુધી ચંદ્ર પર રાખવાની યોજના છે. જેથી વધુ સંશોધનો કરી શકાય.
એક રિપોર્ટ મુજબ, નાસા ચંદ્ર પર ઘર બનાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ ઘરમાં અવકાશયાત્રીઓ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે. નાસા દ્વારા શેર કરવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર, અવકાશયાત્રીઓ માટે ત્રણ માળના ઈન્ફ્લેટેબલ સ્પેસ હાઉસ બનાવવામાં આવશે. તેમની યોજના 2030 સુધીમાં ચંદ્ર પર ઘર બનાવવાની છે. આર્ટેમિસ મિશન હેઠળ ચંદ્રની સપાટી પર જતા અવકાશયાત્રીઓ 2030 સુધીમાં વિશાળ પોડની અંદર સૂઈ શકશે. નાસાએ લુનર સરફેસ હેબિટેટની ડિઝાઈન વિશે ચોક્કસ માહિતી આપી નથી. પરંતુ, તેમના દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરો પરથી તેનો અંદાજ લગાવી શકાય છે.
- Advertisement -
નાસાના જણાવ્યા અનુસાર, આ ઘરમાં ટૂંકા સમય માટે સપાટી પર ચાર ક્રૂ મેમ્બર્સ રહી શકશે. તેમાં પહેલા લેવલ પર એરલોક એક્સેસ તેમજ વર્ક બેંચ, કોમ્પ્યુટર સ્ટેશન અને સ્પેસસુટ પોર્ટનો એક્સેસ હશે. તેમાં પ્રાઈવેટ ક્રૂ ક્વાર્ટર, સ્ટોરેજ, કિચન અને સ્ટોરેજ બેડ સાથે મેડિકલ એરિયા પણ સામેલ હશે.