ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ‘વંદે માતરમ’ ગાનના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં યુનિવર્સિટી પરિસરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાન્નિધ્યે સામૂહિક ’વંદે માતરમ્’ ગાન કરવામાં આવ્યું હતું.
કુલપતિ પ્રો. ચૌહાણે આ ગીત વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ’વંદે માતરમ્’ ગાનને વિકાસનો રાજમાર્ગ, સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ અને આપણી આઝાદીનો ધબકાર ગણાવ્યો છે. 1875માં લખાયેલા આ ગાનના 150 વર્ષ 7મી નવેમ્બરે પૂર્ણ થયા છે. તેમણે ’વંદે માતરમ્’ને ભારતની આન, બાન અને શાન ગણાવીને કહ્યું કે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા ’આનંદમઠ’ નવલકથામાં પ્રકાશિત આ ગાન પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે ગાયું ત્યારે અદ્ભુત રોમાંચનો અનુભવ થયો હતો. ’વંદે માતરમ્’ ગીત એ માત્ર રાષ્ટ્રીય ગીત નહીં, પણ પ્રેરણા ગીત છે. આ પ્રસંગે કુલપતિએ યુનિ. સંલગ્ન કોલેજોના છાત્રો, અધ્યાપકો અને સમગ્ર યુનિ. પરિવારને સ્વદેશીને બળ આપીને આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. ’વંદે માતરમ્’ ગાન બાદ સ્વદેશી અપનાવવાના સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા, જેમાં સ્વદેશી વસ્તુઓને રોજિંદા જીવનનો ભાગ બનાવવા માટે આહવાન કરાયું હતું. આ કાર્યક્રમમાં યુનિ.નાં વિવિધ વિભાગનાં અધ્યક્ષશ્રીઓ, રજીસ્ટ્રાર ડો. આર.જી. પરમાર, પુર્વ કુલગુરૂ પ્રો. ચેતન ત્રિવેદી સહિત યુનિવર્સિટી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સલીમભાઇ સીડાએ કર્યું હતું.



