ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે 16 અને 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ અને આંતરરાષ્ટ્રીય સૂક્ષ્મજીવ દિવસની સંયુક્ત ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો ઉદ્દેશ પર્યાવરણ અને સૂક્ષ્મજીવોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. યુનિ.ના લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણ અને અધ્યક્ષ પ્રો. (ડો.) સુહાસ વ્યાસના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી.
આ પ્રસંગે કુલપતિ પ્રો. ચૌહાણે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંબોધતા જણાવ્યું કે ઓઝોન સ્તરનું રક્ષણ કરવું એ સૌની નૈતિક ફરજ છે. તેમણે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા પદાર્થો, પ્લાસ્ટિક અને પ્રદૂષણ ફેલાવતા વાહનોનો ઉપયોગ ઘટાડવા પર ભાર મૂક્યો.પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે તેમણે જળસંચય, વીજ બચત અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું. તેમણે ઉમેર્યું કે ઓઝોન સ્તરના નુકસાનથી કેન્સર જેવા ગંભીર રોગો થવાનો ખતરો વધી શકે છે. પ્રો. (ડો.) સુહાસ વ્યાસે વિભાગના ઉદ્દેશ્યો વિશે માહિતી આપતા જણાવ્યું કે, તેમનો મુખ્ય હેતુ યુવા સંશોધકોને ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન આપવાનો છે. અધ્યાપક ડો. દુષ્યંત દુધાગ્રાએ ઓઝોન સ્તર અને સૂક્ષ્મજીવોના મહત્વ વિશે સમજાવ્યું, જ્યારે ડો. સંદીપ ગામીતે સૂક્ષ્મજીવોના વિવિધ પાસાઓ અને આબોહવા પરિવર્તન સાથેના તેમના સંબંધો પર પ્રકાશ પાડ્યો. આ બે દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન, પોસ્ટર પ્રેઝન્ટેશન, ક્વિઝ, ચિત્રકામ અને અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. જતીન રાવલ અને ડો. રાજેશ રવિયાએ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજના આચાર્ય પ્રો. રાજેશ ભટ્ટ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -



