નરોડા ગામ હત્યાકાંડ મામલે સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને હવે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવશે, સુપ્રીમકોર્ટે રચેલી SIT ચુકાદાની કોપીનો અભ્યાસ કર્યા બાદ તેને હાઈકોર્ટમાં પડકારાશે.
અમદાવાદ નરોડા ગામ હત્યાકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. નરોડા ગામ હત્યાકાંડ મામલે સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટે રચેલી SIT ગુજરાત હાઈકોર્ટમાં પડકારશે. SIT સ્પેશ્યલ કોર્ટના ચુકાદાની કોપીનો અભ્યાસ કરી રહી છે. ચુકાદાની કોપીનો અભ્યાસ કર્યા બાદ તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મજબૂત અને વિશ્વસનીય પૂરાવા હોવાથી SITના ચુકાદાને HCમાં પડકારાશે. મહત્વનું છે કે, સ્પે.જજ એસ.કે બક્ષીએ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
- Advertisement -
નરોડા ગામ હત્યા કેસના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
ગોધરાકાંડ બાદ નરોડા ગામમાં 11 વ્યક્તિઓની હત્યા થઈ હતી. જે હત્યા કેસમાં માયાબેન કોડનાની, જયદીપ પટેલ સહિત 86 લોકો સામે કેસ નોંધાયો હતો. ત્યારે ગત ગુરુવારે (20 એપ્રિલ, 2023) સ્પેશ્યલ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસનાં સ્પેશ્યલ જજ એસ બક્ષીએ ચુકાદો સંભળાવ્યો. ચુકાદો આવતા જ આરોપીઓ હર્ષનાં આંસુ સાથે કોર્ટ સંકુલ બહાર નીકળ્યા હતા. 21 વર્ષ બાદ ગુરુવારે સ્પેશ્યલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સ્પેશ્યલ કોર્ટમાં 7 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો.
શું હતો કેસ?
નરોડા ગામ હત્યાકાંડનો કેસ ગોધરા કાંડ પછીના 9 મુખ્ય રમખાણ કેસ પૈકીનો 1 છે. ગોધરાકાંડ બાદ નરોડા ગામ ખાતે લઘુમતી સમાજના 11 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 82 લોકો વિરુદ્ધ ટ્રાયલ ચલાવવાઇ. ગુજરાત સરકારમાં ભાજપના પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. માયાબેન કોડનાની પણ આ કેસમાં આરોપી હતા. 27 ફેબ્રુઆરીના ગોધરાકાંડ બાદ બંધ દરમિયાન 28 ફેબ્રુઆરી 2002ના રોજ નરોડા પાટિયા પાસે આવેલા નરોડા ગામમાં 11 મુસ્લિમોની હત્યા થઈ હતી અને પોલીસ ફરિયાદમાં 49 લોકો પર તેનો આરોપ હતો.