આજી-1 અને ન્યારી-1 ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ: પાણી વિતરણમાં મુશ્કેલી નહીં થાય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં પણ માતબર પાણીની આવક થઈ રહી છે. રાજકોટમાં રાજાશાહી સમયનું લાલપરી તળાવ છલોછલ ભરાઈ ગયું છે. 28 ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની ધીંગી આવક થઈ રહી છે. જ્યારે ન્યારી ડેમ-2 100 ટકા ભરાઈ ગયો છે. આજી અને આજી 3 ડેમ સંપૂર્ણપણે ભરાઈ જવાની નજીક છે. મોજ ડેમ 100 ટકા, ભાદર પણ 75 ટકા આસપાસ ભરાઈ ગયો છે.
રાજકોટને પીવાનું પાણી હવે અપાતુ નથી તેવું રાજાશાહી વખતનું લાલપરી જળાશય છલકાયું છે. તેનું જોડીયા જળાશય ગણાતા રાંદરડામાં પણ જળજથ્થો હિલોળા લઈ રહ્યો છે.લાલપરી ગતજુલાઈ માસમાં છલકાયા બાદ ફરી છલકાયું છે. 1898માં બનાવાયેલું લાલપરી તળાવ 15 ફૂટની હાઈટ અને 82 ચોરસ કી.મી.નો વિસ્તાર ધરાવે છે. મનપાના અધિકારી કે. પી. દેથરીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આજી-1 અને ન્યારી-1 ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ થતા, શહેરીજનોને દૈનિક 20 મિનિટ પાણી વિતરણ કરવામાં કોઈ મુશ્કેલી રહેશે નહીં. જો આગામી સમયમાં સારો વરસાદ નહીં થાય તો જરૂર પડ્યે ફરીથી નર્મદાના નીર મંગાવી લોકોને રાબેતા મુજબ પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ નિર્ણયને કારણે રાજકોટના લોકોને હવે પાણીની ચિંતા રહેશે નહીં.



