વડાપ્રધાન મોદીના હસ્તે જામનગરમાં સોમવારે સૌની યોજનાનું લોકાર્પણ
1000 કરોડના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ 5, તથા લિંક 3 અને પેકેજ 7 સાકાર: 1,85,000થી વધુ લોકો અને 1,03,810 એકર વિસ્તારને સિંચાઈ-પાણીની મળશે સુવિધા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. 10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. સૌની યોજનાના બીજા તબક્કામાં લિંક-1ના પેકેજ-5ના લોકાર્પણ થકી કુલ રૂ.314.69 કરોડના ખર્ચે 66 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે નિર્મિત પમ્પીંગ સ્ટેશન ખાતે 7 પંપ દ્વારા અને ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામ પાસે નિર્મિત ફીડર પંપિંગ સ્ટેશન ખાતે 4 પંપ દ્વારા જામનગર જિલ્લાના 5 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 5 એમ કુલ 10 જળાશયો પાણીથી છલકાશે.
જ્યારે સૌની યોજનાના ત્રીજા તબક્કામાં લિંક-3ના પેકેજ-7ના લોકાર્પણ થકી કુલ રૂ.729.15 કરોડના ખર્ચે 104.160 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા કાલાવડ તાલુકાના જાલણસર ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 5 પંપ દ્વારા જામનગર જિલ્લાના 4, રાજકોટ જિલ્લાના 2, પોરબંદર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકાના 3 એમ કુલ 11 જળાશયો પાણીથી છલકાશે.