આજી-1માં 700 અને ન્યારી-1માં 300 MCFT પાણીનો જથ્થો ઠલવાશે
રાજકોટને નર્મદા નીર 42 દિવસ બાદ મળશે
ગઈકાલે સવારે આઠ વાગ્યે ધોળીધજાથી પાણી વિતરણ શરૂ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યા હતા. રાજકોટમાં ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળશયોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી ખૂટી જાય છે, જેથી નર્મદા ડેમમાંથી પાણી માગવામાં આવે છે. રૂપાણી સરકારના સમય દરમિયાન માત્ર 10 દિવસમાં જ સૌનીનું પાણી રાજકોટને મળતું હતું, પરંતુ સરકાર બદલાઈ જતા મનપાએ પત્ર લખ્યાના 42 દિવસ બાદ રાજકોટને પાણી મળશે.
સરકાર બદલાયા બાદ 2022માં 10-01ના રોજ પાણી માટે રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે પત્ર લખતા 18 દિવસ બાદ 28-01ના રોજ સિંચાઈ વિભાગને પત્ર મળ્યો હતો અને 42 દિવસ બાદ 21 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યે પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
- Advertisement -
રાજકોટમાં પાણીકાપ શરૂ થાય તે પહેલા આજી-1 ડેમમાં 700 એમસીએફટી પાણી અપાશે. 300 ક્યુસેક લેખે બે પમ્પ શરૂ કરવામાં આવતા 21 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યે ધોળીધજાથી પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે 41 કિમી દૂર થાન પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચ્યા બાદ મોડી રાત્રે 2 વાગ્યે મચ્છુ પમ્પિંગ સ્ટેશને પહોંચ્યું હતું.
આજે 22 ફેબ્રુઆરીએ ત્રંબા પમ્પિંગ સ્ટેશનમાં પહોંચ્યું છે. જ્યાંથી ત્રંબાના પાંચ ચેકડેમ અને એક કાળીપાટના ચેકડેમ તથા બે ખાણ મારફતે આજી-1 ડેમમાં પાણી પહોંચશે.
ત્રંબા પમ્પિંગ સ્ટેશનથી આજી-1 ડેમમાં પાણી પહોંચતા અંદાજે 12 કલાક જેટલો સમય લગતા મોડી રાત્રે 2થી 3 વાગ્યે પાણી આજી-1માં પહોંચશે. જો કે ન્યારી ડેમમાં રિપેરિંગનું કામ કરવાનું હોવાથી અત્યારે આજી-1માં પાણી આપવામાં આવ્યું છે.