નરેશ પટેલ સ્પષ્ટ કરે સમાજ એટલે કોણ?
દિલીપ સંઘાણીની ‘ખાસ-ખબર’ સાથે ખાસ વાત
નરેશ પટેલ રાજકારણમાં જોડાવવા મામલે અનેક અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને પોતાની પાર્ટીમાં જોડવા માટે આમંત્રણ પણ આપી ચૂકી છે. આ મામલે નરેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ સમાજને પૂછીને આ મામલે નિર્ણય લેશે. જો કે હવે નરેશ પટેલના રાજકારણમાં જોડાવા મુદ્દે ભાજપના નેતા દિલીપ સંઘાણી મેદાને આવ્યા છે.તેઓએ નરેશ પટેલ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે સમાજના નામે રાજકારણ બંધ કરો. નરેશ પટેલ સમાજને પૂછીને રાજકારણમાં આવવાની વાત કરે છે તો નરેશ પટેલ સ્પષ્ટ કરે, સમાજ એટલે કોણ ? સાથે જ વધુમાં એમ પણ જણાવ્યું કે જો નરેશ પટેલ રાજકારણમાં આવશે તો હાર્દિક પટેલ જેવી સ્થિતિ થશે.
- Advertisement -
રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવતા દિલીપ સંઘાણીએ સવાલ કરતાં કહ્યું હતું કે, નરેશ પટેલ સ્પષ્ટ કરે સમાજ એટલે કોણ? રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે આજે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મેં હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સમાજને પૂછીને આ અંગેને કોઈ નિર્ણય લઈશ. તેમજ ભાજપના લોકો આવશે તો વિચારીશું. રાજકારણમાં પ્રવેશ કરવો તે મોટો નિર્ણય છે. હું મારા સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છે. આખા ગુજરાતમાંથી આગેવાનોને બોલાવી બેઠક કરશે.
સમાજની ના છતાં નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશવા બેબાકળા
છેલ્લા છ મહિનાથી ખોડલધામ નરેશ એક જ રાગ આલાપી રહ્યા છે કે, રાજકારણમાં પ્રવેશ લેવો એ મારો સમાજ નક્કી કરશે, સમાજ કહેશે એમ કરીશ. સમાજ એટલે લેઉવા પટેલ સમાજના મોભીઓ…. જોકે મોટાભાગના લેઉવા પટેલના સમાજના મોભીઓ ઉપરાંત કડવા-લેઉવા સમાજ – પાટીદાર અગ્રણીઓ જાહેર અને ખાનગીમાં કહી ચૂક્યા છે કે, નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશવું જોઈએ નહીં, આમ છતાં નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશવા બેબાકળા બન્યા છે. તેથી જ નરેશ પટેલ ગત શનિવારે દિલ્હી પણ જઈ આવ્યા છે. સમાજ કહેશે એમ કરીશ એ ફક્ત વાત છે, વાસ્તવિકતા એ છે કે નરેશ પટેલ પોતાની ઈચ્છા મુજબ જ કરશે અને રાજકરણમાં દબદબાભેર પ્રવેશ કરશે.
જ્ઞાતિવાદના નામે રાજકારણ નહીં ચાલે : દિલીપ સંઘાણી
ગુજરાતમાં ક્યારેય પ્રાંતવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદના નામે ક્યારેય કોઈનું રાજકારણ ચાલ્યું નથી, કોઈ પક્ષ પણ ચાલ્યો નથી. ભૂતકાળનો ઈતિહાસ જોઈ લેવો જોઈએ. અલગ કચ્છ અને સૌરાષ્ટ્રના નામે પણ રાજકારણ રમાયા હતા. જ્ઞાતિવાદના નામે રાજકારણ નહીં ચાલે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાંતવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદ, કોમવાદથી ઉપર ઉઠી રાષ્ટ્રવાદના નામે રાજકારણ કર્યું એ જ રાજકારણ સાચું કહેવાય. હું રાષ્ટ્રવાદના રાજકરણનો સમર્થક છું. જ્ઞાતિવાદના રાજકારણનો હું સમર્થક નથી. જ્ઞાતિવાદના નામે રાજકારણ કરે એની સ્થિતિ શું થાય એનું એ માટે હાર્દિકનું ઉદાહરણ આપણી સમક્ષ મૌજૂદ છે. નરેશ પટેલ વિશેના મારા નિવેદનનું અલગ રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે.