પીએમ મોદીએ લક્ષદ્વિપ બાદ સાસણ અને સિંહ તરફ વિશ્ર્વનું ધ્યાન ખેંચ્યું
એક વર્ષ પહેલા લક્ષદ્વિપની મુલાકાત બાદ લોકોને આકર્ષ્યા હતા
- Advertisement -
પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સિંહને કેમેરામાં કંડારી વિશ્ર્વને બતાવ્યા
આ મુલાકાતથી સોમનાથ અને સાસણ પ્રવાસીઓ વધશે તો વિકાસની હારમાળા સર્જાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
બરાબર એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. લક્ષદ્વીપના બીચની મુલાકાત લીધી હતી અને બીચમાં ડુબકી લગાવી હતી. આ મુલાકાત બાદ લક્ષદ્વીપ અને માલદીવની ચર્ચા નીકળી હતી. આ ચર્ચા પછી લક્ષદ્વીપ ઉપર પર્યટકોનો ધસારો જોવા મળ્યો હતો. એક વર્ષ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ગૌરવ સમાન સાસણ ગીરની મુલાકાત લીધી છે. ગઈકાલે સાસણ આવ્યા હતા અને સિંહ દર્શન કર્યા હતાં. પોતાના અનોખા અંદાજમાં સિંહના ફોટા કેમેરામાં કંડાર્યા હતાં. તેમજ સિંહોની આ તસવીર એક્સ ઉપર પોસ્ટ કરી હતી. આ મુલાકાત ફરી એક વખત સાસણ અને સિંહ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. જોકે સાસણમાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત બાદ વિશ્ર્વનું ધ્યાન સાસણ તરફ કેન્દ્રિત થયું છે અને અગામી દિવસોમાં તેનો લાભ સાસણ અને સોમનાથને મળશે. લક્ષદ્વીપની જેમ સાસણની વિશ્ર્વભરમાંથી પ્રવાસીઓ ઉમટે તો નવાઈ નહીં. નરેન્દ્રભાઈ મોદીના પગલાં સાસણ અને સિંહ માટે શુભ સંકેત લઈને આવ્યા છે તેવી ચર્ચા હાલ જાગી છે.
- Advertisement -
પ્રધાનમંત્રી બન્યા બાદ સાસણની તેમની પ્રથમ મુલાકાત હતી.પણ જેરીતે પ્રધાનમંત્રી મોદીએ પોતાના અંદાજમાં જંગલ સફારી કરીને ગીર સેન્ચુરીમાં સિંહ દર્શન કર્યા હતા અને અલગ ગેટઅપ સાથે ગીર જંગલ સેન્ચુરીની વન્ય જીવ સૃષ્ટિ નિહાળી હતી અને મોદીએ પોતાના કેમેરામાં ગીર સિંહો અને વન્ય સંપદાની અલભ્ય તસવીરો કેમેરામાં કેદ કરીને વિશ્ર્વ ફલક પર ટવીટ કરીને તેના એકાઉન્ટમાં શેર કરતા વિશ્ર્વ ભરના લાખો લોકોએ નિહાળી હતી આ તસવીરો જોઈને દેશ દુનિયાના ખૂણે ખૂણે સાસણ ગીર સેન્ચુરી અને સોમનાથ વિશ્વના નકશા પર અંકિત થયું છે.ત્યારે જે રીતે પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને ત્યાંનો સુંદર મજાનો નયનરમ્ય દ્રશ્યો અને દરિયા કિનારો વિશ્વ સમક્ષ મુકતા લક્ષદ્વીપ વિશ્વના નકશા પર છવાઈ ગયું હતું અને ઘણા પ્રવાસીઓએ લક્ષદ્વીપની મુલાકાત કરી હતી તે જોતા હવે સાસણ ગીરના એશિયાટિક સિંહો અને સોમનાથ મહાદેવ મંદિર વિશ્ર્વના અનેક દેશોને આકર્ષણનું કેન્દ્ર બની જશે. હવે જયારે પ્રધાનમંત્રી મોદીની મુલાકાતથી આવનાર દિવસોમાં સાસણ અને સોમનાથ મહાદેવ મંદિરમાં લાખો પર્યટકોથી ઉભરાશે તેમાં શંકાને સ્થાન નથી એટલે આગામી સમયમાં જે રીતે લાઈન પ્રોજેક્ટ કાર્યરત છે. તેના લીધે પ્રવસીઓને વધુ સવલત મળે અને વન્ય સંપદાને વધુ ફાયદો થયા તેવા પ્રયાસ હાથધરવામાં આવ્યા છે. ત્યારે આગામી સમયમાં પ્રવાસીઓથી સાસણ ગીરમાં મુલાકાતિઓની સંખ્યામાં વધારો થશે અને જેનો સીધો ફાયદો સ્થાનિક લોકોની રોજગારી સાથે હોટલ ઉદ્યોગને પણ મળશે અને દૂર દૂરથી પર્યટકો મુક્તમને વિહરતા એશિયાટિક સિંહોને નિહાળવા પધારશે.
પ્રધાનમંત્રી મોદીની વર્લ્ડ વાઈલ્ડ લાઈફની બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા
પ્રધાનમંત્રીએ ગીર જંગલને બારીકાઇથી નિહાળ્યું હતું અને તેઓએ ખાસો સમય સુધી જંગલમાં વિતાવીને જંગલ સફારી કરી હતી અને ગીર વિષે આગામી દિવસોમાં વધુ સારી સુવિધા સાથે આ સ્થળ કેમ વિક્સિત થાય તે બાબતે વર્લ્ડ વાઈલ્ડ લાઈફની બેઠકમાં ચર્ચા વિચારણા કરી હોવાનું જાણવા મળે છે. તેમજ સ્થાનિક લોકોની જન ભાગીદારી અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસો થકી વન્ય પ્રાણીનું સંરક્ષણ અને સ્થાનિક લોકોને વધુ રોજગારી પ્રાપ્ત થયા તેવા પ્રયાસ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.હાલ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે સાસણ ગીરના એશિયાટિક સિંહોને વિશ્ર્વ ફલક પર મૂકી દીધા છે ત્યારે હવે સાસણ ગીર એક આકર્ષણનું કેન્દ્ર બની જશે તેમ લોકો ચર્ચા કરી રહ્યા છે.