2002માં નરેન્દ્રભાઇ પોતાના જીવનની સર્વપ્રથમ ચૂંટણી લડ્યા, રાજકોટ કાયમ માટે એ વાતે ગૌરવ લઇ શકશે કે આજના આ વિશ્ર્વ સ્તરના નેતા એમની પ્રથમ ચૂંટણી અહીં લડ્યા હતા
નરેન્દ્રભાઈ મોદી આજે આટકોટ આવી રહ્યા છે. એમને આવકારવા માટે રાજકોટમાં પણ થનગનાટ છે. આમ તો ગુજરાતનો પ્રવાસ છે પરંતુ રાજકોટ સાથે એમનો વિશેષ નાતો છે. તેઓ પોતાના માતુશ્રીને નમન કરવા માટે જાય એનું પણ અલગ મહત્વ છે એમ રાજકોટ તેઓ આવે એની વાત જ નોખી.130 કરોડનો આ દેશ અત્યારે એમનો પરિવાર છે. મુખ્યંમંત્રી હતા ત્યારે સાડા છ કરોડ ગુજરાતીઓ એમના કુટુંબી હતા. આ વિશાળતાના પાયામાં છે એમનું આધ્યાત્મિક જોડાણ, બાળપણથી જ કુદરત તરફથી મળેલી પરગજુ વૃત્તિ. આજે સ્થિતિ એ છે કે ભારતના કોઇ પણ પ્રાંતના કોઇ પણ ખૂણામાં નરેન્દ્રભાઇનો ચાહક વર્ગ મોટા પ્રમાણમાં છે. પરંતુ તેમ છતાં ગુજરાત અને રાજકોટ એ વાતનું વિશેષ ગૌરવ લઇ શકે એમ છે કે નરેન્દ્રભાઇ અમારા છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે નરેન્દ્રભાઈ મોદીને રામકૃષ્ણ મિશનના સાધુ થવું હતું ત્યારે તેઓ થોડો સમય રાજકોટ રામકૃષ્ણ આશ્રમમાં આવીને રહ્યા પણ હતા. ગુજરાત એમની જન્મભૂમિ છે. પરંતુ તેઓ તો આરએસએસના સ્વયંસેવક હતા એટલે આખું ગુજરાત એમની કર્મભૂમિ કહેવાય. રાજકોટ સાથે એમનો જુનો સંબંધ છે. જેમણે તાજેતરમાં જ રિલિઝ થયેલી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત કિશોર મકવાણા લિખિત વેબ સિરિઝ જોઇ છે એમને ખબર છે કે રાજકોટ સાથે એમનો જુનો સંબંધ હતો. નરેન્દ્ર મોદી વિશે ભલે કોઇએ કંઇ પણ વાંચ્યું હોય, એમને મળ્યા પણ હોય. પરંતુ કટોકટી વખતનું એમનું લખેલું પુસ્તક સંઘર્ષમાં ગુજરાત ખાસ વાંચવું જોઇએ.
કટોકટી વખતે વેશપલટો કરીને નરેન્દ્રભાઇ ઘણી જગ્યાએ ફર્યા હતા. એમાં એક રાજકોટ પણ હતું. રાજકોટના આરએસએસના અગ્રણી પી.પી.દોશી-પપ્પાજીના પરિવાર સાથે એમનો અંગત નાતો હતો. જ્યારે નરેન્દ્રભાઇ ફક્ત સંઘમાં જ હતા. રાજકીય રીતે સક્રિય નહોતા ત્યારે પણ રાજકોટ આવે એટલે પપ્પાજીને મળવા જાય જ.
નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી બની ગયા પછી એક વાર રાજકોટ આવ્યા હતા, સર્કિટ હાઉસમાં પહોંચ્યા. કારમાંથી ઉતર્યા અને એક વ્યક્તિ તરફ ધ્યાન ગયું. તરત બોલાવ્યા….તમે તો જયેશ સંઘાણી ને…યાદ છે આપણે સંઘની એક શિબિરમાં સાથે હતા.પછી તો બીજા સ્વયંસેવકોના ખબર પૂછ્યા. હવે આ ઘટના તો 2003-2004ની અને જે શિબિરની વાત હતી એ એંસીના દાયકાની. જયેશભાઇ સક્રિય રાજકારણમાં પણ નહીં છતાં નરેન્દ્રભાઇને એમનો ચહેરો યાદ હતો.
2002માં નરેન્દ્રભાઇ પોતાના જીવનની સર્વપ્રથમ ચૂંટણી લડ્યા. રાજકોટ કાયમ માટે એ વાતે ગૌરવ લઇ શકશે કે આજના આ વિશ્વ સ્તરના નેતા એમની પ્રથમ ચૂંટણી અહીં લડ્યા હતા. ત્યારે એ મતવિસ્તાર રાજકોટ-2 કહેવાતો. નરેન્દ્રભાઇ અહીં ચૂંટણીમાં ઊભા રહ્યા. વજુભાઇ વાળાએ સીટ ખાલી કરી. આખું ભાજપ અહીં પ્રચારમાં ઉતરી પડ્યું અને આખા ભારતનું મીડિયા પણ અહીં.
- Advertisement -
ત્યારે અભયભાઇ ભારદ્વાજને ત્યાં બ્રાહ્મણ સમાજની મીટીંગ થતી. સ્વ.અરવિંદભાઇ મણિયારના પરિવાર સાથે નરેન્દ્રભાઇને ઘણો જુનો સંબંધ, એ ચૂંટણી દરમિયાન નરેન્દ્રભાઇ ચારથી પાંચ વાર સ્વ. અરવિંદભાઇને ત્યાં નાસ્તો કરવા ગયા હતા. સંઘના જુના લોકોની મીટીંગનું આયોજન પણ એમને ત્યાં થયું હતું. રાજકોટના અનેક પત્રકારોને નરેન્દ્રભાઇ નામથી ઓળખે છે. રાજકોટમાં નરેન્દ્રભાઇની જાહેર સભા કે પછી રોડ શો અત્યંત ભવ્ય અને ઐતિહાસિક થયા છે. 2005માં પણ રોડ શો જોરદાર હતો, 2017માં પણ એવો જ રોડ શો હતો. રાજકોટને નરેન્દ્રભાઇએ સૌની યોજના સહિતની ભેટો આપી છે. રાજકોટ નરેન્દ્રભાઇને ન ભૂલે, નરેન્દ્રભાઇ રાજકોટને ન ભૂલે એવો બન્ને વચ્ચે નાતો છે.
આ સંબંધ સતત ગાઢ અને ઘેરો બનતો ગયો છે. આજે રાજકોટની એક તરફ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આકાર લઈ રહ્યું છે.
બીજી બાજુ એઈમ્સ હોસ્પિટલ બની રહી છે. નરેન્દ્રભાઈના વડાપ્રધાનપદના કાર્યકાળ દરમિયાન જ આ યોજનાઓ રાજકોટને- સૌરાષ્ટ્રને મળી છે. અહીંના જૂના સ્વયંસેવકો કે કાર્યકર્તાઓને તેઓ નામથી જાણે છે અને ઓળખે છે. ચૂંટણી પ્રવાસ તો એમના છેલ્લા વીસ વર્ષથી શરુ થયા પરંતુ તે પહેલાં પણ અહીં તેઓ આવતા. આજે રાજકોટને સૌની યોજના થકી પાણી મળે છે તે સંપૂર્ણપણે નરેન્દ્રભાઈનું વિઝન છે અને એમના સમયમાં યોજના બની હતી. ગુજરાતની અને રાજકોટ-સૌરાષ્ટ્રની પ્રજા એક રીતે ધન્ય અને નસીબદાર છે કે તેમણે એક વિશિષ્ટ પ્રતિભાનું સર્જન થતાં પોતાની નજરે જોયું.
એક સ્વયંસેવકમાંથી આજે નરેન્દ્રભાઈ આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ છે. અને એ આખી યાત્રાના સાક્ષીઓ સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં વસે છે. તેઓ મુખ્યમંત્રી બન્યા, 12 વર્ષ રહ્યા ગુજરાતની સ્થિતિ બદલાઈ ગઈ. નરેન્દ્રભાઈ હવે દેશના વડાપ્રધાન છે અને ભારતની આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી કરી શક્યા છે. એમની આ આખી યાત્રા આપણે ક્યાંક ને ક્યાંક ઊભા રહીને જોઈ છે. હજી પણ જોઈ રહ્યા છીએ.