કચ્છના સરહદી વિસ્તારમાં ફરી પારો ગગડયો: રાજકોટમાં 12.9, જામનગર 16, સુરેન્દ્રનગર 14.5 : ઠંડા પવનો યથાવત્
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ પણ ઠંડા પવનો સાથે તીવ્ર ઠંડી યથાવત રહી હતી. ખાસ કરીને આજે કચ્છમાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આજે ફરી એકવાર નલિયા ખાતે ચાલુ સિઝનની સૌથી વધુ 5.1 ડિગ્રી ઠંડી નોંધાતા નલિયાવાસીઓ ઠુંઠવાયા હતા. આ ઉપરાંત ભુજ ખાતે પણ 11.8 ડિગ્રી સાથે તિવ્ર ઠંડી અનુભવાઇ હતી. જયારે કંડલામાં 14 ડિગ્રી અને રાજકોટ શહેરમાં બર્ફીલા પવન સાથે 12.9 ડિગ્રી અને ડિસામાં 11.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા લોકો કડકડતી ઠંડીમાં ધ્રુજયા હતા. આ ઉપરાંત આજે અમદાવાદ ખાતે 16.4 ડિગ્રી, અમરેલીમાં 15, વડોદરામાં 17.6, ભાવનગરમાં 16.9, દમણમાં 20.2, દિવમાં 18, દ્વારકામાં 15.6, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, પોરબંદરમાં 15, સુરેન્દ્રનગરમાં 14.5 અને વેરાવળ ખાતે 18.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જયારે જામનગરમાં આજે સતત બીજા દિવસે ન્યુતમ તાપમાનનો પારો 16 ડિગ્રી નોંધાયો હતો.જો કે સુસવાટા મારતા બર્ફીલા પવનની ગતીમાં 5 કિમિ ના ઘટાડા સાથે પવનની ગતિ પ્રતિ કલાક 8.3 કિમિ પર રહી છે. શહેરમાં ઠડીનો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો. જિલ્લા કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રી પર રહ્યો હતો.જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62 ટકા પર નોંધાયું છે.તો પવનની ગતિ પ્રતિકલાક 8.3 કિમિ પર રહી છે.