રૂા.સવા કરોડની કિંમતનો નંબર વન પાડો
નાગરાજ પાડાનું હાલ વજન 1000 કિલો જેટલું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળતા કરોડોની કિંમતના પાડા હવે બનાસકાંઠામાં પણ જોવા મળ્યો છે. વડગામ તાલુકાના ધોતા ગામના એક ખેડૂતે પાડાનો ઉછેર કર્યો હતો, જે પાડાની રાજસ્થાનના પુષ્કરના મેળામાં સવા કરોડની બોલી બોલાઈ હતી. આ નાગરાજ પાડાએ ભારત દેશમાં બીજો અને ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ ખેડૂતને ત્યાં સવા કરોડની કિંમતનો પાડો છે, એની જાણ થતાં જ આજુબાજુ ગામથી લોકો આ પાડાને જોવા આવી રહ્યા છે અને પાડા સાથે સેલ્ફી લઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે. અનેક લોકો પશુપાલન રાખી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. પશુઓને પોતાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે, ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકાના ધોતા ગામમાં એક પશુપાલકે પોતાના ઘરે નાગરાજ નામના પાડાનો ઉછેર શરૂ કર્યો હતો. આ પાડો અત્યારે ચાર વર્ષનો થયો છે.
નાગરાજ પાડાનો ઉછેર કરતા પશુપાલક દલપત સિહનું કહેવું છે કે નાનપણથી જ પોતાનું બાળક હોય એમ જ ઉછેર કર્યો છે. અત્યારે એ ચાર વર્ષનો થયો છે. નાનો હતો ત્યારથી જ એને બે ટાઈમ સ્નાન કરાવવાનું, તેલની માલિશ કરવાની અને પોષ્ટિક ખોરાક આપવાનું ચાલુ હતું. દિવસમાં અત્યારે 15 કિલો પશુ દાણ, તેલ-ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે. એને બે ટાઈમ ચોખ્ખા પાણીથી નવડાવવામાં આવે છે, તેલની માલિશ કરવામાં આવે છે. હાલ એનું વજન 1000 કિલો જેટલું છે. એની દેખરેખ માટે ઘરમાં બે લોકો હાજર જ રહે છે. આ પાડાનો એક મહિનાનો 15થી 17 હજાર જેટલો ખર્ચ આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં મોબાઇલ અને ટીવીમાં રાજસ્થાનમાં ભરાતા પુષ્કરના પશુ મેળા વિશે જાણ્યું હતું. સમગ્ર ભારતનો પશુઓનો પુષ્કર મેળો ત્યા ભરાય છે, જેથી અમે આ પાડાને લઈને એ મેળામાં ગયા હતા. જ્યાં દેશભરમાંથી 15થી 16 જેટલા પાડા આવ્યા હતા. જે પાડાની કેટેગરીમાં આ મૂરા નસલના નાગરાજ પાડાએ સમગ્ર ભારતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો અને એની 1.25 કરોડ જેટલી બોલી બોલાઈ હતી. જોકે અમે એને વેચવા માટે નહોતા ગયા. આ પાડાને ખરીદવા એક કરોડ 25 લાખથી વધુની કિંમત આપવા વેપારીઓ તૈયાર છે, પણ આ પાડો અમારે વેચવો નથી. ઘરના સભ્ય તરીકે આનો ઉછેર કર્યો છે. નાગ પાંચના દિવસે આ પાડાનો જન્મ થયો હતો, તેથી એનું નામ નાગરાજ રાખવામાં આવ્યું છે. પુષ્કળના મેળામાં હરિયાળાનો એક પાડો હતો, એનો પહેલો નંબર આવ્યો હતો, જ્યારે આ પાડાનો બીજો નંબર આવ્યો હતો. એનાં વજન, ઊંચાઈ, લંબાઈ તેમજ એની જે જાત છે એ આધારથી નંબર આપવામાં આવ્યો છે. અમારે આ પાડાને અમારા ફાર્મ પર રાખવો છે. પશુપાલકનો શોખ અને તેની દિવસ-રાતની મહેનતથી સવા કરોડનો પાડો અમે ઉછેર્યો છે, જેનું ગર્વ થઈ રહ્યું છે.
મહિનાનો ખર્ચ 15 હજાર; દરરોજ 15 કિલો ખોરાક જોઈએ છે!
એક હજાર કિલો વજનના પાડાની બે લોકો દેખરેખ રાખે છે
પાડાનો ઉછેર કરવામાં પશુપાલકે ખૂબ મહેનત કરી
સ્થાનિક લોકોનું કહેવું છે કે પશુપાલક દિલીપભાઈએ આ પાડાને ઉછેરવામાં ખૂબ જ મહેનત કરી છે. આ પાડાએ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં જે નામ રોશન કર્યું છે એનો અમને પણ ગર્વ છે. અમે જોવા આવ્યા ત્યારે ખબર પડી કે ખરેખર આ પાડાને જોતાં જ લાગ્યું કે આ પાડાનો ઉછેર કરવામાં પશુપાલકે ખૂબ મહેનત કરી છે. એના કારણે નંબર મેળવી શક્યો છે.
- Advertisement -
આ પાડો એકદમ શાંત સ્વભાવનો છે
મહત્ત્વની વાત તો એ છે કે આ પાડો એકદમ શાંત સ્વભાવનો છે. ઘણીવાર જાનવરોથી લોકોને ડર લાગતો હોય છે, પરંતુ આ પાડાને જોઈને કોઈ ગભરાતું નથી, એની નજીક જઈને લોકો સેલ્ફી લે છે, ફોટા પાડે છે. આ શાંત સ્વભાવનો પાડો કોઈને નુકસાન પહોંચાડતો નથી. એના કારણે લોકોને એની પાસે જઈ સેલ્ફી લેવા, ફોટા પડાવવા ગમે છે. લોકો એને જોઈને પણ આનંદ અનુભવી રહ્યા છે.



