મેડિકલ સાયન્સમાં શ્વાસના મુખ્ય બે પ્રકારો વર્ણવામાં આવ્યા છે. નવજાત શિશુ જ્યારે જન્મે છે ત્યારે એના શ્વાસ-ઉચ્છ્વાવાસની પ્રક્રિયામાં એના પેટનો એટલે કે ઉદરનો ફાળો છાતીના ફાળા કરતા વધારે હોય છે. ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવવા લાગે છે. આપણે પુખ્ત વયના સ્ત્રી-પુરુષો શ્વાસ લઈએ છીએ ત્યારે એ પ્રક્રિયામાં ઉદરનો ફાળો ઓછો હોય છે, છાતીનો ફાળો વધારે હોય છે. ધ્યાન સાધનામાં ત્રીજા પ્રકારના શ્વાસની વાત કરવામાં આવી છે. સભાનપણે નાભિને કેન્દ્રમાં રાખીને શ્વાસ લેવામાં અને છોડવામાં આવે તો એવા ધ્યાનને નાભિ ધ્યાન કહેવાય છે. માણસનું વર્તન પણ આ ત્રણ શ્વાસો પ્રમાણે અલગ અલગ રહે છે. માણસ દિમાગથી જીવે છે, દિલથી જીવે છે અથવા નાભિથી જીવે છે. નાભિ સાથે જોડાયેલો સંબંધ જીવનમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણે જન્મતી વખતે આપણી માતા સાથે ગર્ભનાળના સંબંધથી જોડાયેલા હોઈએ છીએ. ગર્ભનાળ આપણી નાભિમાં જાય છે. મા અને સંતાનથી વધારે પવિત્ર, વધારે ગાઢ અને વધારે શુદ્ધ સંબંધ જગતમાં બીજો કોઈ હોતો નથી. અત્યારે હું મારા બંગલાની વિશાળ બાલ્કનીમાં હીંચકા ઉપર બેઠો છું. પંદરેક દિવસથી બાલ્કનીમાં હીંચકો ગોઠવ્યો છે.
દાયકાઓ પહેલાં અમે જૂનાગઢમાં ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે એ મકાનના ડ્રોઈંગ રૂમ કરતા હાલના મારા બંગલાની બાલ્કની મોટી છે. આ બાલ્કની મને ગમે છે, દિલથી ગમે છે. પેલું જૂનાગઢ વાળુ ઘર નાનું હતું, ભાડાનું હતું, છતાં મારી માલિકીના બંગલા કરતા મને વધુ ગમતું હતું. આજે પણ મારી નાભિથી હું એ ભાડાના ઘર સાથે જોડાયેલો છું. એ ઘરમાં મારું બચપણ વિત્યું છે, એ ઘરમાં મારા પિતાનો પરસેવો રેડાયો છે, એ ઘરમાં મારી બાના હાથની રંધાયેલી રસોઈની સોડમ રેલાઈ છે. એ ઘરમાં મારી કિશોરાવસ્થાના સોનેરી દિવસોના સપનાઓ અને એ સપનાઓ સાકાર કરવા માટે રાતોની રાતો વેઠેલા ઉજાગરાઓ સચવાયેલા છે. માટે એની સાથે મારો નાભિનો સંબંધ છે. નાભિ ધ્યાન કરતી વખતે શ્વાસને ફેફસાં સુધી સીમિત ન રાખતાં મન દ્વારા ઉદર પટલની નીચે નાભિ સુધી અને નાભિથી પણ બે આંગળ નીચે સુધી લઈ જવો જોઈએ. નાભિ ધ્યાનનો પ્રયોગ કરશો તો એકાગ્રતા વધુ કેળવાશે.