માછલીઓના મૃત્યુનું કારણ અકબંધ
હળવદ તાલુકાના રણમલપુર ગામના પાલતું પશુઓના પીવાના પાણી માટે અનામત રાખેલ તળાવમાં મંગળવારે અચાનક અસંખ્ય માછલીઓ ટપોટપ મરવા લાગી હતી જો કે માછલીઓના મોત ક્યા કારણે થયા એ જાણવા મળી શક્યું નથી પરંતુ મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ નીપજતા ગામના સરપંચ તથા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃત માછલીઓને બહાર કાઢી ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરીને રણ વિસ્તારમાં દફનાવી દેવામાં આવી હતી.
હળવદ તાલુકાના રણમલપુર ગામે શક્તિ માતાજીના મંદિર પાસે વિશાળ તળાવ આવેલ છે. આ તળાવ માત્રને માત્ર જીવદયાના ઉદેશ્ય માટે હોય ગ્રામજનો દ્વારા સામુહિક રીતે અહીં નાહવા અને કપડાં ધોવાની મનાઈ ફરમાવી માત્રને માત્ર પશુઓના પિયાવા માટે તેમજ માછલી સહિતના જળચરો માટે અનામત રાખવામાં આવ્યું છે અને દરરોજ માછલીઓને ગ્રામજનો દ્વારા ખોરાક પણ આપવામાં આવે છે ત્યારે ગઈકાલે મંગળવારે આ તળાવમાં અચાનક કોઈ કારણોસર નાની મોટી માછલીઓના ટપોટપ મૃત્યુ નિપજ્યા હતા જો કે માછલીઓના મોત ક્યા કારણે થયા છે તે જાણી શકાયું નથી પરંતુ માછલીઓના ટપોટપ મોતથી ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.