બૉક્સિગં રિંગની રાણી એમ.સી. મેરિકોમે પોતાના હરિફોને લલકારતાં કહ્યું કે હું હજુ સંન્યાસ લેવાની નથી અને ટૂંક સમયમાં જ રિંગમાં વાપસી કરીશ. અત્યારે મારી પાસે એક વર્ષનો સમય છે. મેડલ જીતવાની ભૂખ હજુ ખતમ થઈ નથી. મારું નામ મેરીકોમ છે. હું હાર માનવાવાળી નથી અને યોદ્ધાની જેમ લડીને વાપસી કરવાવાળી છું. આ તો રમતનો હિસ્સો છે.
ચાર બાળકોની માતા મેરીકોમે કહ્યું કે દૂર્ભાગ્યવશ હું બર્મિંઘમ કૉમનવેલ્થમાં રમી શકી નહોતી. અમુક વસ્તુઓ આપણા હાથમાં હોતી નથી. જો કે હું હવે આવતાં વર્ષની એશિયન ગેમ્સને લક્ષ્ય બનાવીને ચાલી રહી છું. આંતરરાષ્ટ્રીય બોક્સિગંમાં વયમર્યાદા હોય છે. જો 40 વર્ષ બાદ પણ રિંગમાં ઉતરવાની પરવાનગી હોત તો હું લાંબા સમય સુધી રમતી હોત.
- Advertisement -
એશિયન ગેમ્સ આગલા વર્ષે ચીનના હાંગઝૂમાં 23 સપ્ટેમ્બરથી 8 ઑક્ટોબર વચ્ચે રમાશે. જો કે આ રમત આ વર્ષે 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર વચ્ચે રમાવાની હતી પરંતુ ચીનમાં કોરોનાના વધી રહેલા પ્રકોપને કારણે તેને એક વર્ષ માટે ટાળી દેવામાં આવી છે. મેરીકોમ આવતાં વર્ષે 24 નવેમ્બરે 41 વર્ષની થશે આવામાં તે એશિયાડમાં રમે છે તો તે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હશે.
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરિકોમનો જૂનમાં કૉમનવેલ્થ ગેમ્સના પસંદગી ટ્રાયલ દરમિયાન ડાબો ઘૂંટણ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો જેથી ત્રણ ઓપરેશન કરવા પડ્યા હતા. હવે તેમાં સુધારો થઈ રહ્યો છે. ડૉક્ટરોએ ઈજામાંથી સાજા થવા માટે છ મહિનાનો સમય આપ્યો છે.