ટર્કિશ ભાષામાં બનેલી માય ડેન્જરસ વાઈફ (ઓરિજિનલ નામ : તેલીકલી કરીમ) એમએક્સ પ્લેયર પર હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે (આ નામથી જ એક કોરિયન સિરિઝ નેટફલિક્સ પર પણ છે.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
ઈસ્તાંબુલમાં કાફે ચલાવતાં એલ્પરે શ્રીમંત યુવતી ડેરિન સાથે લગ્ન ર્ક્યા છે પણ પર્ફેકશનની આગ્રહી અને પતિની અનેકાનેક નિષ્ફળતા જોઈ ચૂકેલી ડેરિન પ્રમાણમાં ચતુર છે. પત્નીના આધિપત્યથી પરેશાન પતિ એલ્પર એટલે જ નબળી ક્ષણે સેડાના સ્નેહમાં અટવાયો છે. આ સેડા તેના કાફેની બિઝનેસ પાર્ટનર છે પણ કાફે રૂપિયા રળી શકે, એવું ચાલતું નથી. એલ્પર પત્ની ડેરિનના બેન્ક બેલેન્સ (પાંચ મિલીયન) પર લોન લેવાની પ્રક્રિયા કરી રહ્યો હોય છે પણ…
આજે જ તેને ખબર પડે છે કે બેન્ક ઓફિસરને ફોન કરીને પત્ની ડેરિન લોન-પ્રપોઝલ પાછી ખેંચી લીધી છે. જાણીને તેનો પતિ એલ્પર અને ગર્લફ્રેન્ડ સેડા ગિન્નાઈ છે. ફૂડ સાયન્ટિસ્ટ સેડા પોઈઝન આપીને એલ્પરને ઉશ્કેરે છે કે, આ ઝેર કોકટેલમાં ભેળવીને ડેરિનને આપી દે એટલે છૂટકારો મળે અને આપણે બન્ને સાથે જીવવાનું શરૂ કરીએ…
કમને પતિ એલ્પર કાફેમાં જ ઝેર ભેળવેલું કોકટેલ બનાવે છે પણ એ જ વખતે તેનો સસ્પેન્ડ થયેલો પોલીસ અધિકારી બનેવી યમન આવી ચઢે છે. યમનને જેમ તેમ રવાના કરીને પતિ એલ્પર ઝેરીલા કોકટેલની બોટલ સાથે ઘરે પહોંચે છે પણ ત્યારે ખબર પડે છે કે પત્ની ડેરિનનું તો અપહરણ થઈ ગયું છે. પાંચ મિલિયનની ડિમાન્ડ સાથેની અપહરણર્ક્તાની નોટસમાં તાકીદ છે કે, પોલીસને જાણ કરીશ તો ડેરિનને મારી નાખવામાં આવશે
- Advertisement -
તરત એલ્પર પોલસને જાણ કરે છે. તે ઈચ્છે છે કે ઝેરીલા કોકટેલને બદલે અપહરણર્ક્તા જ પત્નીને મારી નાખે તો ટાઢા પાણીએ ખસ જાય. જો કે તપાસમાં આવેલા પોલીસ ઓફિસર ફિરાટને (સ્વાભાવિકપણે જ) શ્રીમંત પત્નીના અપહરણ માટે પતિ જ શંકાસ્પદ લાગે છે.
એક વખત તેના હાથમાં ઝેરીલા કોકટેલની બોટલ પણ આવી જાય છે પરંતુ શિફતપૂર્વક પતિ એલ્પર એ વોશ બેઝિનમાં ઢોળી દે છે અને ખાલી બોટલ બેડરૂમમાં જ રાખેલા ડસ્ટબીનમાં રાખી દે છે. પતિ એલ્પર અને વર્કિગ બિઝનેસ પાર્ટનર કમ ગર્લફ્રેન્ડ સેડા મનોમન હરખાઈ છે પણ પોલીસની પૂછપરછ અને મિડિયાના જમાવડાથી પતિ એલ્પર પરેશાન છે. પત્નીના અપહરણ માટે પોલીસ તેને જવાબદાર ગણે છે તેની અકળામણ એલ્પરને વધુ છે કારણકે એ તેનાથી ખરેખર અજાણ હોય છે. એલ્પરને યાદ આવે છે કે, એ રાતે ઘેર આવ્યો ત્યારે એક યુવાન તેના ઘર પાસેથી નીકળ્યો હતો. એ જ યુવાન તેનો પીછો કરતો હોવાનો ખ્યાલ આવે છે, તેથી એલ્પર તેને ઝડપી લે છે. એ યુવાન પાસેથી પતિ એલ્પરને જાણવા મળે છે કે, એ તેની પત્ની ડેરિનનો કોલેજકાળનો મિત્ર છે. એ મિત્ર જ એલ્પર સમક્ષ બોમ્બ ફોડે છે કે, એલ્પર અને સેડાના અફેર થી તેની પત્ની વાકેફ હતી અને પરેશાન પણ.
પત્ની પોતાના અફેરથી વાકેફ હતી છતાં તેણે ક્યાંય એ દેખાવા દીધું નથી, એ જાણીને એલ્પરનો પ્રેમ પુન: જાગૃત થવા લાગે છે. અપહરણ કરનાર તેની પત્નીનો ડિઝાઈનર નખ કાપીને મોકલે છે, પણ એ જોયા પછી એલ્પરનો પત્ની ડેરિન માટેનો પ્રેમ ફરી ફૂંફાડા મારવા લાગે છે. ગર્લફ્રેન્ડ સેડાથી તો આમપણ પોલીસની નજરથી બચવા માટે એ દૂર રહેવા લાગ્યો છે પણ…
- Advertisement -
…. પછી એવું બને છે કે ડેરિનને પામવા માટે એલ્પર (તેની પત્નીના જ) પાંચ મિલિયન અપહરણર્ક્તાના આદેશ પ્રમાણે પહોંચાડે છે અને તેનો પીછો કરી રહેલી પોલીસને પણ ચકમો આપે છે. દરમિયાન, ફિરૌતી ચૂક્વાયા પછી ઈજાગ્રસ્ત ડેરિનનો કબજા પોલીસને મળે છે પરંતુ લુચ્ચો બનેવી યમન પોલીસના કાનમાં ફૂંક મારે છે કે, અપહરણની રાતે એલ્પર કાફેમાં એકલો કોકટેલ બનાવતો હતો…
એલ્પર-સેડાની રિલેશનશીપથી વાકેફ પોલીસ ઝેરિલા કોકટેલની ખાલી બોટલને ફોરેન્સિક ટેસ્ટમાં મોકલે છે અને એલ્પરને લાગે છે કે તેના બારેય વહાણ ડૂબવાની અણી પર છે. હોસ્પિટલના બિછાને મુક્ત થઈને સારવાર લેતી ડેરિનને મળીને એલ્પર આત્મહત્યા કરવા માટે લટકી જાય છે પણ એ જ વખત પહોંચેલો પોલીસ અફસર ફિરાટ તેને બચાવી લે છે. … પણ એલ્પર (અને ગર્લફ્રેન્ડ સેડાને) ડર છે કે ફોરેન્સિક રિપોર્ટ આવતાં જ તેઓ ડેરિનની આત્મહત્યાનું ષડયંત્ર કરવાના ગુનામાં સપડાઈને જેલમાં જવાના છે.
ટર્કિશ ભાષામાં બનેલી માય ડેન્જરસ વાઈફ (ઓરિજિનલ નામ : તેલીકલી કરીમ) એમએક્સ પ્લેયર પર હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે (આ નામથી જ એક કોરિયન સિરિઝ નેટફલિક્સ પર પણ છે) પરંતુ એમ છતાં માય ડેન્જરસ વાઈફ નો વિગતવાર (પણ અડધો) ટૂંક્સાર અહીં આપ્યો છે અને નેકસ્ટ વીકમાં આખી કથા તમને કહેવી છે. આમ તો શાહનામામાં આપણે આખી વાર્તા કહેતાં નથી પણ માય ડેન્જરસ વાઈફ તેમાં અપવાદ ગણવી રહી કારણકે, એ સોળ એપિસોડ અને આશરે પંદર કલાક લાંબી ટીવી સિરિઝ છે. આટલી લાંબી સિરિઝ જોવાનો સમય અને ફૂરસદ હોવી, એ મુશ્કેલ કાર્ય છે. આ કારણોસર જ આપણે પતિ એલ્પર, પત્ની ડેરિન, ગર્લફ્રેન્ડ સેડા વગેરેનું પછી શું થાય છે અને તેઓ શું કરે છે, એ જોઈશું આવતા સપ્તાહે.
સીતારામ બિનોય : કેસ નંબર 18
સતત કશુંક બનતું રહે અને પાત્રો કારણ વગરની વાતો ર્ક્યા વગર વાર્તાને વેગ આપતા હોય ત્યારે એ સન્નાટાને ભરતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેવું પાવરફૂલ હોય એ તમે મૂળ કન્નડ ફિલ્મ સીતારામ બિનોય : કેસ નં. 18 જૂઓ ત્યારે ફીલ થાય. પ્રાઈમ વિડિયો પર હિન્દી ભાષામાં પણ જોવા મળતી સીતારામ બિનોય એક ક્રાઈમ થ્રિલર છે, એ થ્રિલરને ગગન ડેરિયા (ગાયક પણ છે)નું સંગીત એવું બોલકું અને રહસ્યમય બનાવે છે કે ધીમી ગતિએ આગળ વધતી ફિલ્મ પણ તમને લિજ્જત આપતી રહે છે.
કોલ્હાપુર ડિસ્ટ્રીકટના ગામડાંમાં બદલી પામીને પહોંચેલા પોલીસ ઈન્સ્પેકટર સીતારામના પોતાના જ ઘરમાં ચોરી થાય છે અને તેનો ભેદ ઉકેલાઈ, એ પહેલાં જ તેની સાથે રહેવા આવેલી પત્નીની હત્યા થઈ જાય છે… ન કારણ વગરના સંવાદ, ન બીનજરૂરી ગીત, ન વધારાનો કોમેડી તડકો, ન ખોટી તામઝામ અને છતાં એક્સો પચ્ચીસ મિનિટ સુધી તમને ચોંટાડી રાખતી દિગ્દર્શક દેવીપ્રસાદ શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ અને સીતારામ બનતાં વિજય રાઘવેન્ (તેના ખાતામાં બાવન ફિલ્મો બોલે છે) તમને થ્રીલ રાઈડ પર લઈ જાય છે. ભારતની અન્ય ભાષામાં પણ સરસ ફિલ્મો બને છે તેનો સીતારામ બિનોય : કેસ નં. 18 નવો અને બોલતો પૂરાવો છે.