ફિલ્મ સ્ટોરી જેવી ઘટના : બહેનને હેરાન કરતા યુવકને પ્રેમિકાની મદદથી ઈન્સ્ટાગ્રામમાં ફસાવ્યો; મળવાનું કહી બહાર બોલાવ્યોને બોલેરોથી કચડી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આ હિટ એન્ડ રનની ઘટના યુવકની હત્યા માટે જ ઘડાયેલો પ્લાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ચકચારી હત્યાના ગુનામાં સગીરએ તેની પ્રેમિકા સાથે મળી બહેનને હેરાન કરતાં યુવકને બોલેરો પીકઅપ વાનથી ઠોકર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આરોપી સહિત ત્રણની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. ગુનેગાર ગમે એટલો શાતિર હોય પરંતુ પોલીસ પાસે તો પાંગળો જ પુરવાર થાય છે. જાણો કેવી રીતે પોલીસ આરોપી સુધી પહોંચી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સ્ટેટ હાઇવે પર તા 06 સપ્ટેમ્બરની સાંજે સાતેક વાગ્યે એક્ટિવા પર જઈ રહેલા ઉમરેઠી ગામના સુરેશ જાદવ નામના 22 વર્ષીય યુવકને પાછળથી બોલેરો પીકઅપ વાન દ્વારા ઠોકર મારતાં એક્ટિવા ચાલક યુવક ફંગોળાઈ જાય છે અને બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી નાશી છૂટે છે. ઇજાગ્રસ્ત યુવકને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવે છે. જ્યાં ફરજ પરના તબીબ યુવકને મૃત જાહેર કરે છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હિટ એન્ડ રનની ઘટના અકસ્માત હોય તેવું લાગે છે, પરંતુ આ ઘટનામાં ગીર સોમનાથ કઈઇ દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી ત્યારે, આ ઘટના અકસ્માત નહીં પરંતુ યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો આખો ગુન્હાહિત પ્લાન હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફોર્ન્સ કરી આ ચકચારી ગુનાની અંદરની ખોફનાક હકીકત પરથી પડદો ઉચકતાં જણાવ્યું હતું કે, મૃતક સુરેશ જાદવને ઉમરેઠી ગામના જ સગીરે ખુબ જ સિફતપૂર્વક મોતને ઘાટ ઉતારી આ ઘટનાને અકસ્માતમાં ખપાવી પોલીસની આંખમાં ધૂળ છાંટવાનો પ્રયાસ કર્યો હતો. મૃતક યુવક અને આરોપીના પરિવાર વચ્ચે ઘણા સમયથી મનદુ:ખ ચાલ્યા આવતા હતા. મૃતક યુવક સુરેશ આરોપીની બેનને હેરાન કરતો હોવાથી આરોપીએ યુવક સુરેશને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો.મૃતક યુવકની હત્યા માટે આરોપીએ ખુબજ ગુનાહિત માનસ સાથે કાવતરું રચ્યું હતું. જેમાં આરોપીએ તેની પ્રેમિકાની પણ મદદ મેળવી હતી. મૂળ ડોળાસા ગામની અને હાલ રાજકોટ ખાતે નર્સીંગનો અભ્યાસ કરતી આરોપીની પ્રેમિકાએ મૃતક સુરેશને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. તે ઇન્સ્ટાગ્રામ દ્વારા અવારનવાર વાતો કરી મૃતકનો વિશ્વાસ જીતી લીધો હતો. જે બાદ આરોપીના પ્લાન મુજબ મૃતક સુરેશને રાત્રિના સમયે ઘરેથી બહાર લાવવા માટે મળવાનું કહી બોલાવ્યો હતો.
મૃતક સુરેશ પ્રેયસીને મળવા ઉમરેથી ગામથી તાલાલા તરફ એક્ટિવા લઈ જઈ રહ્યો હતો. ત્યારે આરોપી બોલેરો કાર લઈ નીકળ્યો અને ઘુસિયા ગામ નજીક ઇમાનપીર દરગાહ પાસે મોકો જોઈ સુરેશની એક્ટિવાને જબરજસ્ત ઠોકર મારી નાશી ગયો હતો. આરોપીએ આ ઘટના અકસ્માતમાં ખપી જાય અને પોતે સુરક્ષિત રીતે પોતાના મનમાં રહેલી ખુન્નસને પાર પાડશે તેવું વિચારી અકસ્માત સર્જી રાજકોટ તરફ નાશી ગયો હતો.
હીટ એન્ડ રનની પ્રાથમિક ઘટના બાદ પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એક પછી એક અનેક ખુલાસા સામે આવતા ગયા. જેથી ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ આ અકસ્માતના મૂળ સુધી પહોંચી હતી. જેમાં આ ઘટના અકસ્માત નહીં પરંતુ યુવકની હત્યા માટેનો જ પૂર્વ આયોજીત પ્લાન હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપીને તેમજ તેની પ્રેમિકા અને અન્ય મદદગાર યુવકને રાઉન્ડઅપ કરી આગવી ઢબે પૂછપરછ કરતાં પોપટ બની ગયેલા આરોપીએ સમગ્ર ઘટનાના વટાણા વેરી નાખ્યા હતા.