ડોર ટુ ડોર સરવે કરાતા ઐતિહાસિક વસૂલાત શક્ય બની
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.01
- Advertisement -
નાણાકીય વર્ષના અંતિમ દિવસે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ 3 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. આ સાથે જ એક જ વર્ષમાં 365.31 કરોડ રૂપિયાનો મિલકત વેરો ઉઘરાવીને વિક્રમ બનાવ્યો છે. રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખાએ એક વર્ષમાં 365.31 કરોડ ભેગા કર્યા એટલે સરેરાશ જોઈએ તો દરરોજ એક કરોડ રૂપિયાની મિલકત વેરાની આવક થાય તેવી ચોક્કસાઈ સાથે કામ કરવામાં આવ્યું છે.આ વર્ષે આટલા પ્રમાણમાં મિલકત વેરાની ઉઘરાણી થઈ તે મામલે આસિ. કમિશનર સમીર ધડૂકે જણાવ્યું હતું કે, વર્ષની શરૂઆતથી જ ડોર ટુ ડોર સરવે શરૂ કરી દીધો હતો અને જેટલા પણ બાકીદારો છે તે તમામ મિલકતો સુધી પહોંચવાનો લક્ષ્યાંક કર્યો હતો. આ ઉપરાંત જે વોર્ડમાં વધારે મિલકતો છે તે વોર્ડમાં પણ કામગીરી વિભાજિત કરી દેવાઈ હતી. આ ઉપરાંત સીલિંગ અને જપ્તીની નોટિસની આખું વર્ષ કામગીરી ચાલી હતી. તેને કારણે સારી રિકવરી થઈ શકી છે.વર્ષ 2024-25માં મનપા 400 કરોડનો મિલકત વેરો મેળવશે
વેરા વસૂલાત શાખાના જણાવ્યા અનુસાર 2023-24માં જે પદ્ધતિએ કામગીરી થઈ છે તે સફળ રહેતા 2024-25માં તે જ રીતે કામ કરવામાં આવશે. આ ઉપરાંત ગત વર્ષે જે હપ્તા યોજના બહાર પાડી હતી તેની રકમ પણ હવે મળવા લાગી છે. આ તમામ પરિબળોને કારણે હવેના વર્ષમાં મનપા 400 કરોડથી વધારે મિલકત વેરાની આવક કરી શકશે.