મોબાઈલ ચોરી અને માછીમારી કરતાં કુલ ત્રણ ઇસમોને પોલીસ હવાલે કરાયા
રાજકોટ મહાનગરપાલિકા સુરક્ષા શાખા દ્વારા તા. 28-08નાં રામવન ખાતે મોબાઈલ ચોરી કરતાં એક ઇસમને તથા આજી ડેમમાં માછલી પકડતાં બે ઇસમોને પકડવામાં આવેલ તેમજ રામવન ખાતે ખોવાયેલ ચાર બાળકોની ખરાઈ કરી તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા સુરક્ષા શાખાના કર્મચારીઓ દ્વારા તા. 28-08ના રોજ રામવન ખાતે પેટ્રોલિંગ દરમ્યાન એક ઇસમને મોબાઈલ ચોરી કરતાં પકડી ફરિયાદી તથા મોબાઈલ ચોરી કરનાર ઇસમને પી.સી.આર. બોલાવી આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે મોકલવામાં આવેલ તેમજ આજી ડેમ ખાતે માછલી પકડતાં હોય તે અંગેની જાણ થતાં સુરક્ષા શાખાના કર્મચારીઓને આજીડેમ ખાતે મોકલી માછલી પકડવા આવેલ બે ઇસમોને ઝાળ સાથે પકડી આગળની કાર્યવાહી માટે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા અને રામવન ખાતે ચાર બાળકો ખોવાયેલ હોય જેની જાણ થતાં બાળકોની ખરાઇ કરી તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા, તેમ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું.