વર્ષ 1934માં રાજવી લાખાજીરાજે આ ઇમારતનું નિર્માણ કરાવ્યું હતું
રાજકોટ મનપાએ આ માર્કેટને ભયગ્રસ્ત જાહેર કરી કાર્યવાહી હાથ ધરી
વેપારીઓમાં રોષ, કોર્ટે સ્ટે મૂક્યો, મનપા 21મીએ જવાબ આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલા શહેરની 90 વર્ષથી પણ વધારે જૂની તેમજ ઐતિહાસિક ઓળખ સમાન લાખાજીરાજ શાકમાર્કેટનું અસ્તિત્વ હાલ સંકટમાં છે. મહાનગરપાલિકા દ્વારા આ માર્કેટને ભયગ્રસ્ત જાહેર કરીને અહીં વર્ષોથી વેપાર કરતા 96 જેટલા થડાધારકો, દુકાનદારો અને વખાર માલિકોને આ જગ્યા તાત્કાલિક ખાલી કરવા માટેની અંતિમ નોટિસ પાઠવતા રોષે ભરાયેલા વેપારીઓએ અદાલતનો સહારો લીધો હતો. જેમાં નામદાર કોર્ટે સ્ટે આપતા હવે મનપા તંત્ર દ્વારા 21 ઓગષ્ટે જવાબ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ અદાલતનાં હુકમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.અગાઉ માત્ર રૂ. 12 ભાડું વસુલાતું હતું. જોકે મ્યુ. કમિશનર નેહરાનાં સમયમાં વેપારીઓને વધુ સારી સુવિધા આપવાની ખાતરી આપીને ભાડામાં વધારો કરાયો હતો.
હાલમાં વેપારીઓ મનપાને મહિને રૂ.500 ભાડું અને રૂ. 90 જીએસટી સહિત રૂ.590 ભાડું ચૂકવે છે.મનપાએ આ ઇમારતને ખૂબ જ જોખમી જાહેર કરી છે. ઇમારત હાલ જર્જરિત હાલતમાં છે અને કુદરતી આફતનો સામનો કરી શકે તેમ નથી. અને આ માર્કેટ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલી હોવાથી કોઈ પણ સમયે ઇમારતનો ભાગ તૂટી પડતાં જાનમાલને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેના કારણે મનપાએ તાત્કાલિક ખાલી કરાવવા નોટિસ પાઠવી છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો કોઈ દુર્ઘટના થશે, તો તેની જવાબદારી કબજેદારોની રહેશે. જોકે, આ કોઈ પહેલીવાર નથી કે આ માર્કેટને ખાલી કરાવવા માટે અગાઉ નોટિસ અપાઈ હોય. જુલાઈ 2024માં નોટિસ આપી હતી, ત્યારે વેપારીઓએ ધારાસભ્ય કાનગડના નેતૃત્વમાં મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સમક્ષ રજૂઆત કરી હતી. તે સમયે વેપારીઓની મુખ્ય રજૂઆત હતી કે, આ માર્કેટ હેરિટેજની વ્યાખ્યામાં આવે છે અને તેને તોડી ન શકાય, માત્ર તેનું રિપેરિંગ જ થઈ શકે. વેપારીઓએ રિપેરિંગની કામગીરીમાં સહકાર આપવાની ખાતરી પણ આપી હતી. ત્યારે મનપાએ હકારાત્મક વલણ અપનાવી રિપેરિંગ કામ શરૂ કરવાની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે રિપેરિંગનો તમામ ખર્ચ મનપા ઉઠાવશે અને કામ પૂર્ણ થયા બાદ મૂળ માલિકોને તેમની જગ્યા પરત સોંપવામાં આવશે. વેપારીઓનો આરોપ છે કે મનપા તંત્રએ એક વર્ષ પહેલાં આપેલી ખાતરીનો ભંગ કર્યો છે. તેમજ અચાનક ચોમાસાની સિઝનમાં માર્કેટ ખાલી કરાવવાની નોટિસ આપી છે. આટલા ટૂંકા સમયમાં અને વરસાદની સિઝનમાં જગ્યા ખાલી કરવી શક્ય જ નથી. ઉપરાંત, પેઢીઓથી ચાલતા વેપારને એકાએક બંધ કરીને ક્યાં જવું તે મોટો પ્રશ્ર્ન છે.
ઐતિહાસિક વારસો જાળવી રાખવા અપીલ
ઇન્ટેક (Indian National Trust for Art and Cultural Heritage) જેવી વારસો જાળવવાનું કાર્ય કરતી સંસ્થાએ પણ અભિપ્રાય આપ્યો હતો કે, ઐતિહાસિક માળખાનું વિસ્તૃત મૂલ્યાંકન અને યોગ્ય સમારકામ કરવામાં આવે તો તેને ફરીથી પુનજીર્વિત કરી શકાય છે. આ સંસ્થાએ મનપાને મદદ કરવાની તૈયારી પણ દર્શાવી હતી. વેપારીઓ આ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે આ મામલાનું નિરાકરણ કેવી રીતે આવે છે, તે જોવું રહ્યું.



