હાલ પૂરતું સૂચિત પ્લોટમાં કોઈ પણ પ્રકારનું આગળનું બાંધકામ ન કરવા કડક સૂચના અપાઈ
સંત કબીર રોડ શિવશક્તિ સોસાયટીમાં ખૂણાના પ્લોટ પર સૂચિત વિસ્તારમાં દુકાનો ચણાઈ રહી હતી: જીપીએમસી એક્ટની કલમ 260 (1) હેઠળ નોટિસ પાઠવવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પરિવાર સામે ગેરકાયદેસર બાંધકામનો મામલો સામે આવતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે. સંત કબીર રોડ જેવા વ્યસ્ત અને મહત્વના વિસ્તારમાં મેયરના પતિ દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની નોટિસ ફટકારવામાં આવતા આ વિષય હાલ સમગ્ર શહેરમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે.
સંત કબીર રોડ પર મેયરના પતિ દ્વારા ચાલી રહેલા બાંધકામમાં નિયમોના ઉલ્લંઘન અંગેની ફરિયાદો ઉઠી હતી. આ મામલે મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે લાલ આંખ કરી જીપીએમસી એક્ટની કલમ 260 (1) હેઠળ નોટિસ પાઠવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કરેલા બાંધકામના યોગ્ય પુરાવા રજૂ કરવા અથવા તો આ બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવું. જો મેયરના પતિ દ્વારા યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવે અથવા રજૂ કરેલા પુરાવા સંતોષકારક નહીં હોય, તો મનપા કલમ 260 (2) મુજબ ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરશે.
આ ઘટના સામે આવતા જ વિપક્ષી નેતાઓએ મેયર અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષે ગંભીર સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે, “મેયર બન્યા પછી અચાનક આટલા મોટા બાંધકામ માટેના નાણાં ક્યાંથી આવ્યા?” વિપક્ષના મતે આ સીધેસીધો સત્તાનો દુરુપયોગ છે અને વગદાર પદ પર હોવા છતાં નિયમોને નેવે મૂકવાની પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.



