રોડ-રસ્તા, ડ્રેનેજ જેવા કામો માટે નાણાં ફાળવ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મહાનગર પાલિકાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, સિટી બ્યુટિફિકેશન જેવા કામો માટે નાણાની જાહેરાત કરી છે. જેમાં સુરેન્દ્રનગર મહાનગર પાલિકા માટે રૂ.81.04 કરોડના કામોને સૈધ્ધાંતિક મંજૂરી અપાઇ છે. આથી સારા રસ્તા આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારા માટે શહેરી વિકાસ યોજના અન્વયે કામો હાથ ધરાશે.
- Advertisement -
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત2047ના વિઝનમાં રાજ્યને અગ્રેસર રાખવાની નેમ સાથે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.
આ સંદર્ભમાં રાજ્યમાં નવી 9 મહાનગર પાલિકાઓની રચના કરી છે. એટલું જ નહીં, આ નવરચિત મહાનગર પાલિકાઓ સહિત રાજ્યના નગરો, શહેરોમાં લોકહિતના કામોને પણ વેગવંતા બનાવ્યા છે. ત્યારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આવા કામો માટે નાણાં ફાળવણીના ઉદાત્ત અભિગમને આગળ ધપાવતાં મુખ્યમંત્રીએ આ રૂ. 1202.75 કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. જેમાં સુરેન્દ્રનગર મહાનગર પાલિકાને રૂ.81.04 કરોડની સૈધ્ધાંતિક મંજૂરી અપાઇ છે.
જે શહેરના વઢવાણ સુધી રિવરફ્રન્ટ વધારવા માટે જ્યારે આ રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે દૂર કરવા સીસી રોડ બનાવાશે. આ ઉપરાંત મહાનગર પાલિકામાં રોડ-રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, સેનિટેશન જેવા ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામો ઉપરાંત આંગણવાડી, શાળાના મકાનો, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર વગેરે સામાજિક આંતરમાળખાકીય સુવિધાના કામો માટે નાણાં ફાળવ્યા છે. આ ઉપરાંત, અર્બન મોબિલિટી, સિટી બ્યુટિફિકેશન, આગવી ઓળખના કામો, પાણી પુરવઠાના અને વરસાદી પાણીના નિકાલના કામો વગેરે કામો માટે રૂપિયા ખર્ચ કરાશે.