સામાન્ય સલૂનની તમામ સુવિધાઓ પ્રવાસીઓને વાજબી દરે ઉપલબ્ધ થશે
ઘડિયાળના કાંટાની જેમ દોડતા મુંબઈગરાઓનો થાક દૂર કરવા માટે રેલવે સ્ટેશોમાં જ કેટલીક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. મુંબઈ સેંટ્રલ સહિત 6 રેલવે સ્ટેશનમાં એસી સલૂન શરૂ કરવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ લીધો છે. મહિલાઓ અને પુરુષો બંને માટે આ સુવિધાનો ઉપયોગ કરી શકાશે. રેલવે સ્ટેશનની ખુલ્લી જગ્યાનો ઉપયોગ પ્રવાસીઓની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે આ ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો.
રેલવે સ્ટેશનના પ્રવાસીઓની ગિરદીમાં અડચણ ન બને એવા ઠેકાણે આ સલૂન ઊભી કરવામાં આવશે એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. અંધેરી રેલવે સ્ટેશનમાં 2 તથા મુંબઈ સેંટ્રલ, ગોરેગાવ, કાંદીવલી, બોરીવલી અને સુરત દરેક સ્ટેશનમાં એક સલૂન ઊભી કરવામાં આવશે. સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ સલૂનનો લાભ પ્રવાસીઓ લઈ શકશે. એના રૂપિયા ભરવા માટે ડિજિટલ વિકલ્પ પણ પ્રવાસીઓને ઉપલબ્ધ થશે.


