રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં જન્માક્ષરમાં જ કાળસર્પ યોગ
શિક્ષણ સમિતિમાં કોઈ સારા, સજ્જન, સુશિક્ષિત, શિક્ષણમાં સમજ હોય તેવા ચેરમેન કેમ મૂકાતાં નથી?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ, વાલીઓ અને આચાર્યોના નસીબ કહો કે તેમની કમનસીબી ગણો પણ શિક્ષણના હિમાયતી કહી શકાય એવા એક ચેરમેન તેઓને મળતા નથી. ભલભલા સારા-સજ્જન માણસ પણ શિક્ષણ સમિતિના ચેરમેન બની ખરાબ-ખોટા બની જાય છે. આશ્ર્ચર્યની બાબત વળી એ છે કે, ચેરમેનના પદ પર રહી કોઠાકબાડા કરનાર ખુદને પવિત્ર ગણાવે છે. જોકે બાળકોના હિતનું ઓળવી ખુદનું કોઈ કશું જ બગાડી નહીં શકે તેવો ફાંકો રાખી ફરનારા આવા જ કેટલાક ચેરમેનને ચાલું કાર્યકાળે ઘર ભેગા થવું પડ્યું છે. આ યાદીમાં પાઠક, દોશી, પંડિત સાથે એક નામ પુજારનું પણ ઉમેરાવવા જઈ રહ્યું છે.
જો આજથી થોડા વર્ષો પૂર્વે ભૂતકાળમાં જઈ વિસ્તૃત વાત કરવામાં આવે તો સરકારી નાણાંની ઉચાપત સબબ શિક્ષણ સમિતિના તત્કાલીન ચેરમેન કિરીટ પાઠક, એકાઉન્ટ જગદીશ દવે, શાસનાધિકારી ભાલચંદ્ર વ્યાસને જેલના સળિયા ગણવા પડ્યા હતા. એ સમયે પીઆઈએસ દ્વારા એકાઉન્ટ અને શાસનાધિકારીની રિમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ કરવામા આવી હતી ત્યારે જગદીશ દવેએ રિમાન્ડ રૂમમાં કહ્યું હતું કે, પાઠકની પ્રામાણિકતાની છાપ છે પણ ભાલચંદ્ર વ્યાસના મત અનુસાર તેમને ભ્રષ્ટાચારી બનવાની તક આપવાની હતી. આ તક ઝડપી પાઠકે શિક્ષણ સમિતિની પથારી ફેરવી નાખી. જે પાઠકને રાજકોટથી આટકોટ વચ્ચે કેટલા સ્પીડબ્રેકર આવે છે તે પણ યાદ હોય છે એ જ પાઠકને પિસ્તાલીસ જેટલા ચેક પર સહી કરી હતી કે નહીં તે યાદ નહતું! પૈસાની ઉચાપત બદલ તેઓને શિક્ષણ સમિતિમાંથી તગેડી મૂકાયા.
- Advertisement -
આ જ પ્રકારે મુકેશ દોશીને શિક્ષણ સમિતિના ચેરમેનના ચાલું કાર્યકાળ દરમિયાન જ તગેડી મૂકવામાં આવેલા હતા. મુકેશ દોશીની બ્લડબેંકમાં થયેલા અંધાપા કાંડ બાદ તેમણે કરેલા કોઠાકબાડાની મોવડીમંડળે ગંભીર નોંધ લઈ શિક્ષણ સમિતિના ચેરમેન પદ પરથી રાજીનામું માગી લીધું હતું. જોકે મુકેશ દોશી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે એવું કહેતા પણ સત્ય સૌ જાણે છે.
કિરીટ પાઠક, મુકેશ દોશી પછી હાલમાં જ અતુલ પંડિતને પણ ચાલું કાર્યકાળે ઘર ભેગા કરી દેવામાં આવ્યા. અતુલ પંડિતે ગણવેશ કૌભાંડથી લઈ કિરીટ પરમાર અને દિનેશ સદાદિયા જેવા અનિષ્ટ તત્વો સાથે મળી મસમોટા કૌભાંડ આચર્યા હતા. જોકે સૂકા ભેગું લીલું પણ બળે તેમ અતુલ પંડિતના પાપે શિક્ષણ સમિતિના સભ્યોને પણ ઘરભેગા કરી દેવામાં આવ્યા હતા. હવે આ જ શ્રેણીમાં વધુ એક નામ વિક્રમ પુજારાનું ચર્ચાઈ રહ્યું છે.
પાઠક, દોશી, પંડિતની જેમ પુજારા પણ કોઠાકબાડા કરી ઓવર કોન્ફિડન્સમાં પોતે પવિત્ર હોવાનો ડોળ કરી રહ્યા છે પરંતુ હકીકતમાં તેઓ પણ દૂધે ધોયેલા નથી અને તેઓ પણ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે કે કેમ તેની પર પ્રશ્નાર્થ સર્જાય રહ્યા છે. શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા ત્યારે ભલા-ભોળા કહેવાતા વિક્રમ પુજારા ખુરશી પર બેસીને જ ભ્રષ્ટ-અહંકારી કહેવાયા લાગ્યા છે. તેમના શાસનમાં મહિલા કર્મચારીઓ અને શિક્ષકો સુરક્ષિત નથી, શાળામાં સગીરાઓનું શોષણ થાય છે, ટેન્ડર વિના બિનજરૂરી લાખો-કરોડોનો ખર્ચ થાય છે વગેરે કેટલાય આક્ષેપ છે ત્યારે હવે ભાજપ મોવડીમંડળે શિક્ષણ સમિતિની દુર્દશા કરનારા વધુ એક ચેરમેન વિક્રમ પુજારાને વિદાય આપવાનો સમય પાકી ગયો છે.