ભારે વરસાદને કારણે 3નાં મોત: આજે 19 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
- Advertisement -
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોના મોત થયા છે. હલ્દવાની, બનબસા, ટનકપુર, સિતારગંજ અને ખટીમામાં હાલત સૌથી ખરાબ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સિસ્ટમે જણાવ્યું હતું કે ભૂસ્ખલનના કાટમાળને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 200થી વધુ ગ્રામીણ રસ્તાઓ હજુ પણ બંધ છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાલગંગા લંગસી ટનલ પર પહાડનો મોટો ભાગ પડતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો.
જ્યારે આસામમાં બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓનું જળસ્તર ભયજનક સ્તરથી નીચે આવી ગયું છે. રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે અને 26 જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા ઘટીને લગભગ 17.17 લાખ થઈ ગઈ છે. જો કે મંગળવારે 7 લોકોના મોત થયા હતા. પૂર અને વરસાદમાં અત્યાર સુધીમાં 92 લોકોએ જીવ ગુમાવ્યા છે.
બિહારમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની ઘણી નદીઓમાં પૂર આવ્યું છે. જેના કારણે ગોપાલગંજ, બેતિયા અને બગહામાં પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વીજળી પડવાથી 4 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.
સોમવારે ભારે વરસાદ બાદ મંગળવારે મુંબઈમાં વરસાદથી રાહત મળી હતી. હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણીને કારણે મંગળવારે મુંબઈની શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી. જો કે શહેરમાં વરસાદ પડ્યો ન હતો. શહેર અને ઉપનગરોમાં ક્યાંય પણ પાણીનો ભરાવો કે ટ્રાફિક જામ થયો ન હતો.
- Advertisement -
હવામાન વિભાગે આજે 3 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ર્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. યુપી, બિહાર, આસામ, મેઘાલય અને ગોવામાં ઓરેન્જ એલર્ટ છે. આ રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
જમ્મુ-કાશ્ર્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક અને તેલંગાણામાં યલો એલર્ટ છે. આ રાજ્યોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે.
આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?
11 જુલાઈના રોજ પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
11 જુલાઈએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત પ્રદેશ, ઉત્તર આંતરિક અને દરિયાકાંઠાના કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
બિહારમાં વિવિધ સ્થળોએ વીજળીના કડાકા સાથે વાવાઝોડાની શક્યતા છે.
પશ્ર્ચિમ બંગાળના દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઈગુડી, કૂચ બિહાર અને અલીપુરદ્વારના સબ-હિમાલયના જિલ્લાઓમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.