ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
રાજ્યમાં સરકારી વિકાસના કામોમાં થતાં ભ્રષ્ટાચારને લઈને અનેક વખત બ્રિજ ભાંગી પાડવા તથા ભૂવા પડવાની સ્થિતિ ઉદભવ થાય છે જે બાદ સરકારી તંત્ર એક્શન મોડ પર આવે છે પરંતુ જે સમયે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે ત્યારે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું નજરે પડે છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે હાઇવે પર સર્કલ નજીક એક ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. અહી હાઇવે હોવાથી દરરોજ અનેક વાહન ચાલકો પસાર થતાં હોય છે અને રોડની વચ્ચે પડેલો ભૂવો કોઈપણ સમયે મોટો દુર્ઘટના સર્જે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.
ત્યારે આ મામલે અગાઉ પણ સ્થાનિક તંત્રને ધ્યાન દોર્યું હતું છતાં તંત્રને પેટનું પાણી હલતું નથી ત્યારે તંત્ર પણ કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહમાં બેઠું હોય તેવો સવાલ સ્થાનિક રાહદારીઓને મનમાં ઉદભવી રહ્યો છે. સામાન્ય વરસાદમાં પણ ભૂવા પડવાની ઘટનાને લઇ તંત્ર તાત્કાલિક ધોરણે કોઈ નક્કર કાર્યવાહી કરી પગલાં ભરે તેવી જાગૃત નાગરિક દ્વારા માંગ ઉઠાવી છે.