કાર્તિક મહેતા
2025નું વર્ષ વિશેષ વર્ષ છે કેમકે આ વર્ષે ભારતને ગણતંત્ર બન્યાને 75 વર્ષ પૂર્ણ થશે, સાથે સાથે 1925માં સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપનાનું આ શતાબ્દી વર્ષ છે
- Advertisement -
બંધારણ ભારતને એક સંઘરાજય ગણાવે છે પરંતુ કોંગ્રેસ અને સંઘ સહિત તમામ સ્વતંત્રતા પહેલા ભારતને “ભારતમાતા” તરીકે જોતા હતા. વંદે માતરમ્ નું સૂત્ર ભારતીય સ્વતંત્રતા ચળવળનું કેન્દ્રસુત્ર હતું. આથી ભલે જન ગણ મન રાષ્ટ્ર ગીત બન્યું , લોક માનસમાં વંદે માતરમ્ પણ એટલું જ ઊંચું સ્થાન ભોગવતું આવ્યું છે. વંદે માતરમ્ એટલે માતાને વંદન. અહિયાં દેશને “માતા” તરીકે સંબોધવામાં આવે છે. હાથમાં ભગવો ધ્વજ અને સાથે સિંહ વાળી ભારતમાતાના પ્રતિમા અને ચિત્રો હવે કેટલાય વર્ષોથી ભારતીય રાજકારણનો અવિભાજ્ય ભાગ બની ગયા છે. પરંતુ એક સમય હતો જ્યારે નહેરુ પણ ભારત માતાકી જય સાથે સભાઓ ગજવતા અને ભારત માતા શું છે એના અંગે પોતાના વિચારો પણ પ્રગટ કરતા.
છેલ્લે લગભગ 2011માં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં વિશાળ મંચ ઉપર ભારત માતાનું ચિત્ર શોભતું હતું અને અન્ના હજારે , બાબા રામદેવ અને અરવિંદ કેજરીવાલ સહિતના મહાનુભાવો તે મંચ ઉપર ઉપવાસ કરતા હતા.
નહેરુની ભારત માતાની વ્યાખ્યા બહુ સુંદર અને સ્પષ્ટ હતી. તે કહેતા કે આ ભારત માતા એટલે કેવળ જમીન નહિ પણ અહિયાનું સર્વસ્વ …. અહીંયાના લોકો , પ્રકૃતિ, જંગલો બધું જ ભારતમાતા છે.
પરંતુ કોઈ દેશને માતાનું સ્વરૂપ આપવાનું ચલણ ક્યાંથી આવ્યું હશે? જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી એવું શ્રીરામ રામાયણમાં કહે છે. એટલે આ વિચાર ઘણો જૂનો તો છે. દસમી સદી સુધી ભારત તંત્ર ઉપાસના કરનાર દેશ હતો એવું અનેક વિદ્વાનો અભ્યાસ બાદ કહે છે. આથી બ્રહ્માંડની શક્તિઓ હોય કે પ્રકૃતિના નિયમો હોય , એમને માતા (શક્તિ) કે પિતા(શિવ) સ્વરૂપે દર્શાવવાનું ચલણ આપણે ત્યાં પ્રાચીન છે. યહૂદીઓ પોતાની મૂળ ભૂમિ ઇઝરાયેલ ને ફાધર લેન્ડ કહે છે. કેમકે એમના પિતા જેકબ એટલે કે ઇઝરાયેલ છે જે ઓલ્ડ ટેસ્તામેન્ટ (જૂનો કરાર) કહેવાતી પ્રથમ બાઇબલમાં બહુ મહત્વનું પાત્ર છે.
રશિયનો પોતાની ભૂમિને મધર લેન્ડ કહે છે. આજના બ્રિટનમાં લગભગ ચોથી સદી સુધી પ્રેતાની કહેવાતા લોકો વસતા એમ કહેવાતું. આથી એ જગ્યાને પ્રેતાનિયા કહેવાઇ. સમય જતાં આ સ્થળ બ્રિટાનિયા અને બ્રિટન કહેવાયું. બ્રિટન સહિત યુરોપમાં પણ ખ્રિસ્તી ધર્મ કે યહૂદી ધર્મ પહોંચ્યા એની પહેલા મૂર્તિ પૂજા અને તંત્ર ઉપાસના સર્વ વ્યાપક હતી. આથી ત્યાં પણ ભૂમિને /જમીનને માતા તરીકે પ્રસ્તુત કરવામાં આવતી.બ્રિટિશ લોકો પોતાની જમીનને મધર બ્રિટાનિયા કહેતા.
રસપ્રદ વાત એ છે કે મધર બ્રિટાનિયા અને ભારત માતા બેયના ચિત્રોમાં ઘણું સામ્ય છે. બેયના ચિત્રમાં સિંહ છે, બેય સ્ત્રી પાત્રો છે, માતા છે, બેય ને ઊભા બતાવાયા છે.
પ્રથમ વાર ભારતમાતા નું ચિત્ર અવનિન્દ્રનાથ ટાગોર નામનાં એક બંગાળી કલાકારે 1905માં બનાવ્યું હતું. જેમાં ભારતમાતા એક સન્યાસીની જેવા સૌમ્ય દેખાય છે , એમને ચાર હાથ છે જેમાં શંખ માળા ગ્રંથ વગેરે છે. નોંધવા જેવું છે કે આ પહેલા ચિત્રમાં ભારત માતા સાથે સિંહ નથી કે ભગવો ધ્વજ નથી.
આજના ભારતમાતાના ચિત્રો કે મૂર્તિમાં જે સ્વરૂપ છે તે લગભગ 1909માં એક તમિલ વર્તમાનપત્રમાં પ્રકાશિત થયું હતું. હવે તો ભારતમાં અનેક સ્થળે ભારતમાતાના મંદિરો છે (પહેલું ભારત માતા મંદિર 1936માં બન્યું હતું) અને એમના ચિત્રો પણ ખૂબ પ્રચલિત છે.
ઇસ 1866માં બંગાળી નાટક “ઓગણીસમુ પૂરાણ” લખાયું જેમાં ભારતમાતા નો ઉલ્લેખ પ્રથમ વાર આલેખાય છે. ત્યારબાદ બંકિમ ચંદ્ર ચટોપાદ્યાયે આનંદ મઠ નામની નવલકથા લખી જે અંગ્રેજો સામે ભારતીયોના સંઘર્ષની ગાથા હતી. આ નવલકથામાં બહુ સુંદર રીતે ભારતમાતાનું ચરિત્ર ઉપસ્યું. એમાંથી જ વંદે માતરમ્ ગીત આવ્યું જે પછીથી ભારતની સ્વતંત્રતા ચળવળ નું સૂત્ર બન્યું અને ભારતનું રાષ્ટ્રીય ગીત પણ બન્યું.
મહર્ષિ અરવિંદ કહેતા કે સ્વતંત્રતા સમયે ભારત માતા અને આપણે જે પૂજીએ છીએ તે ભારતમાતા બેય અલગ છે , ભારતમાતાનો વિચાર કોઈ એક ધર્મ પૂરતો નહિ પણ સર્વ ભારતીય લોકો માટે સ્વીકાર્ય હોય એવો હોવો જોઈએ.
હિન્દીના પ્રખર કવિ સુમિત્રાનંદન પંતે ભારત માતા નામની એક કવિતા પણ લખી હતી.
પ્રકૃતિને માતા માનવી તે તો તંત્ર શાસ્ત્રનો બેઝિક નિયમ છે આથી આપણે તમામ પ્રકારની પ્રાકૃતિક શક્તિઓને માતા માનીએ છીએ. જે આપણને શક્તિ આપે તે માતા. સૂર્યને સવિતા કે ગાયત્રી સ્વરૂપે માતા કહેવાય છે. (હા, તંત્ર કે યોગમાર્ગમાં સુર્ય એ માતા છે , પિતા નહિ)
આ રીતે આપણે નદી જે પાણી આપે, જમીન જે ખોરાક આપે અને ગાય કે જે પોષક દૂધ આપે એને માતા કહેતા થયા.
આપણું સર્વ રીતે લાલન પાલન કરે તે માતા. આ રીતે રાષ્ટ્રને પણ માતા કહી શકાય.
જોકે આપણે જેને માતા કીધી એની પરિસ્થિતિ આજે એટલી બદહાલ છે કે એના વિશે ઉલ્લેખ કરતા પણ ગ્લાનિ થાય. ગાયો પ્લાસ્ટિકના ઉકરડામાં રઝળતી દેખાય છે, ધરતીમાં દવાઓ રૂપી વિષ નખાય છે, એના વસ્ત્રો સમાન જંગલ વગડા નાશ થયા છે અને નદીઓ ગટર ના નાળા સમાન બની ગઈ છે. ત્યારે આપણે વિચારવું રહ્યું કે આપણી ભારતમાતા નું ગૌરવ આ રીતે ઘટે નહિ એ માટે સતત જાગૃત રહીએ.
ભારતમાતા કી જય.