સુપ્રીમમાં 80000 જ્યારે હાઇકોર્ટોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા 61 લાખ
જિલ્લા અને તેની તાબા હેઠળની અન્ય કોર્ટોમાં 4.46 કરોડ પેન્ડિંગ કેસો : દેશની વિવિધ કોર્ટોમાં જજોની મંજૂર સંખ્યા 26568, હાઇકોર્ટમાં 1114 પૈકી 324 જગ્યાઓ ખાલી
ખાસ-ખબર સંવાદદાતા
દેશની વિવિધ કોર્ટોમાં કુલ પાંચ કરોડ કેસ પેન્ડિંગ છે જે પૈકી સુપ્રીમ કોર્ટમાં 80000 કેસ પેન્ડિંગ છે તેમ સરકારે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલના જણાવ્યા અનુસાર એક ડિસેમ્બરના રોજ દેશની વિવિધ કોર્ટોમાં કુલ 5,08,85,856 કેસો પેન્ડિંગ હતાં. જેમાંથી 61 લાખ કેસો દેશની 25 હાઇકોર્ટોમાં પેન્ડિંગ હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા અને તેની તાબા હેઠળની અન્ય કોર્ટોમાં કુલ 4.46 કરોડ કેસો પેન્ડિંગ હતાં. દેશની વિવિધ કોર્ટોમાં મંજૂર કરાયેલ જજોની કુલ સંખ્યા 26568 છે. જે પૈકી સુપ્રીમ કોર્ટમાં મંજૂર કરાયેલા જજોની સંખ્યા 34 છે જ્યારે હાઇકોર્ટોમાં મંજૂર કરાયેલા જજોની સંખ્યા 1114 છે. જિલ્લા અને તેના તાબા હેઠળની કોર્ટોમાં જજોની મંજૂર કરાયેલ સંખ્યા 25,420 છે. બીજી તરફ અન્ય એક નિવેદનમાં સરકારે જણાવ્યું છે કે જજોની નિમણૂક માટે હાઇકોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા 123 પ્રસ્તાવ પૈકી 81 પ્રસ્તાવ સરકારમાં વિવિધ તબક્કે પ્રક્રિયા હેઠળ છે. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે બાકીના 42 પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં વિચારણા હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જજોની બાકીની 201 ખાલી જગ્યા માટે હાઇકોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણો સરકારને મોકલવામાં આવી નથી. કાયદા મંત્રાલયની વેબસાઇટ અનુસાર 1 ડિસેમ્બરના રોજ દેશની વિવિધ હાઇકોર્ટોમાં મંજૂર કરાયેલ જજોની 1114 જગ્યાઓ પૈકી 324 જગ્યાઓ ખાલી છે.