માણસની પેશકદમીથી ગીરની અંદરથી સિંહ ખોરાકની શોધમાં બહાર નીકળ્યા
લાયન-શોને કારણે સિંહે સ્વાદ બદલ્યો, હવે વજનવાળા પશુનું મારણ વધ્યું
- Advertisement -
સંરક્ષિત વિસ્તાર-અભયારણ્યની બહાર 51% જંગલી અને 42% ઘરેલું પશુઘનનો શિકાર !
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના સાસણ ગીરમાં એશિયાટિક સિંહના વસવાટ ધરાવતા જંગલોમાં વધતી માનવીય દખલને કારણે ખોરાકની શોધમાં પોતાના ક્ષેત્રોમાંથી સિંહ બહાર નિકળી રહ્યા છે. રાજ્યના વન વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંસોધકોની ટીમ દ્વારા કરાયેલા અભ્યાસના અહેવાલમાં સિંહની પ્રજાતિ હવે સંરક્ષિત ગીર અભયારણ્યની બહાર 51 ટકા જંગલી જાનવરો અને 42 ટકા ઘરેલુ પશુધનનો શિકાર કરીને પેટ ભરી રહ્યાની ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. આ તરફ ભારત સરકારે ગુરૂવારે જાહેર કરેલા અહેવાલમાં ત્રણ વર્ષમાં 620થી વધુ સિંહે પોતાનું પેટ ભરવા 5.37 લાખ ઉપરાંત શાકાહારી જાનવરોનો શિકાર કર્યાનું સ્વિકાર કર્યુ છે.
સિંહના ખોરાક- સ્વાદમાં આવેલા બદલાવ પાછળ જંગલમાં માણસજાતની પેશકદમી ઉપરાંત સાસણ ગીરની આસપાસના ગ્રામિણ વિસ્તારોમાં ગેરકાયદે થતા લાયન- શો પણ જવાબદાર છે.
પ્રવાસીઓને આકર્ષવા થતા ગેરકાયદે સિંહ દર્શનને નામે વધુ વજન ધરાવતા ઘરેલુ પશુને મારણ તરીકે નાંખવાના વર્ષોથી ચાલી રહેલા પ્રયોગોને કારણે આવો બદલાવ નોંધાયો છે. જે સાસણ ગીર અને આસપાસના જંગલ, પર્યાવરણ તેમજ માનવજીવન માટે પણ ખતરનાકપણે ધાતક સાબિત થશે. ભારત સરકારના પર્યવારણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે ગુજરાત સરકારના વન વિભાગે સિંહના ખોરાક, શિકાર માટે અંદાજીત શાકાહારી જાનવરોનો આંકડો જાહેર કર્યો છે. ગુરૂવારે જાહેર થયેલા અહેવાલ મુજબ પાંચ વર્ષ પૈકી વર્ષ 2020 અને 2021માં કોવિડ-19ની મહામારીને કારણે સિંહના શિકાર અંગે કોઈ અંદાજ નક્કી થયો નથી. પરંતુ, વર્ષ 2018માં 1,49,365 શાકાહારી જાનવરોનો સિંહ દ્વારા શિકાર થયો હતો. પછીના વર્ષે 1,96,109 અને છેલ્લે વર્ષ 2022માં 2,20,406 શાકાહારી જાનવરોનો શિકાર થયો છે.
આ તરફ સંસોધન ટીમે પોતાના અભ્યાસમાં કહ્યુ છે કે, સિંહો સંરક્ષિત વિસ્તારની અંદર 74 ટકા જંગલી પ્રજાતિઓનો શિકાર કરીને ખોરાક મેળવે છે જ્યારે 26 ટકા સ્થાનિક (નેસડામાં રહેતા) પશુધનનો શિકાર કરે છે. જ્યારે સંરક્ષિત અર્થાત અભયારણ્યની બહારના વિસ્તારોમાં 51 ટકા જંગલી પશુઓનો શિકાર થાય છે અને 42 ટકા ઘરેલુ પશુધનનો શિકાર કરીને ખોરાક મેળવે છે. ઉલ્લેખનિય છે કે, સિંહની વર્ષ 2020ની છેલ્લી વસ્તી ગણતરીના પુન અવલોકન મુજબ ગુજરાતમાં સિંહની સંખ્યા 674 થઈ છે. જેમાં માદા સિંહની સંખ્યા 309 અને 206 નર સિંહની સંખ્યા છે.
45 કિલોના હરણ ખાનારા સિંહ 150 કિલોની ભેંસનો શિકાર કરતા થઈ ગયા
વન વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધકોની ટીમે નોંધ્યુ છે કે, એશિયાટિક સિંહો હવે વધુ વજન ધરાવતા પશુધનનો શિકાર કરવા લાગ્યા છે. એક સમયે 12 કિલોના ચાર સિંગડાવાળા કાળિયાર, 45 કિલોના હરણ, 32 કિલોના જંગલી ડુક્કરનો શિકાર કરતા સિંહ હવે જંગલની અંદર 130 કિલોના સાબર અને 180 કિલોની નીલગાય પણ ફાડી ખાય છે. જંગલની બહાર જ્યાં માનવ સમુદાય રહે છે તેવા બિનસંરક્ષિત વિસ્તારોમાં ગાય- ભેંસ જેવા પાળતુ પશુઓને પણ શિકાર કરીને ખોરાકમાં લઈ રહ્યા છે. જેનું વજન 150 કિલો પણ હોય છે. સિંહ સંરક્ષિત વિસ્તારોમાં 12 પ્રજાતિ અને બહારના એરિયામાં 11 પ્રજાતિઓ ખાય છે.