“આર્ટીજન કાર્ડ” વડે કારીગરોને મળે છે રાજય સરકારના વિવિધ યોજનાકીય લાભો સાથે વૈશ્વિક માર્કેટનો હિસ્સો બનવાની ઉત્તમ તક
રાજકોટ- દેશમાં કૃષિ પછી ગ્રામિણ ક્ષેત્રે સૌથી વધુ રોજગારી આપતો વ્યવસાય એ હસ્તકલા તથા કુટીર ઉદ્યોગ છે. રાજયમાં હસ્તકલા અને હાથશાળના વૈવિધ્યપૂર્ણ વારસાના જતન અને સંવર્ધન માટે આ કારીગરોને રાજય સરકારના કલ્યાણકારી સહાય યોજનાઓનો લાભ સુચારૂ રીતે મળી રહે તે માટે તેઓની ઓનલાઇન નોંધણી ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા કરી તેઓને ખાસ ઓળખકાર્ડ આર્ટીજન કાર્ડ વિતરણ કરવાની યોજના રાજય સરકાર દ્વારા અમલી બનાવાયેલ છે.
રાજકોટ જિલ્લામાં હાથશાળ, પટેાળા વર્ક, લાકડાની કલાક્રૃતિઓ, બંગડી બનાવવાનું કામ, એમ્બ્રોઇડરી, ભરતકામ, મોતીકામ,કાથીની વિવિધ બનાવટ, ઉનની આઇટમ, પેચવર્ક, ઇમીટેશન જવેલરીનું કામ વગેરે જેવી વિવિધ હસ્તકલાના કુલ ૭૬૦થી વધુ હસ્તકલા કારીગરોએ નોંઘણી કરાવી “આર્ટીજન કાર્ડ” દ્વારા આગવી ઓળખ મેળવી છે.
- Advertisement -
- ઓળખકાર્ડ કોણ મેળવી શકે
રાજય સરકારે નક્કી કરેલા ૫૪ જેટલા વિવિધ ટ્રેડ પૈકીના ટ્રેડમાં ક્રાફટવર્ક કરતા ૧૮ વર્ષથી વધુ વયના કોઇપણ ભાઇઓ/બહેનો આ ઓળખકાર્ડ વિનામુલ્યે મેળવી શકે છે.
- ઓળખકાર્ડ મેળવવાની કાર્યવાહી
ઓળખકાર્ડ મેળવવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ ગ્રામ પંચાયત ખાતે વિ.સી.ઇ.(ઇ-ગ્રામ વિશ્વગ્રામ) ખાતે પાસેથી ફોર્મ મેળવી જરૂરી વિગતો ભરી સાધનિક કાગળો જેવા કે આધારકાર્ડ/ ચુટણીકાર્ડની નકલ, અરજદારનો પાસપોર્ટ ટાઇપનો ફોટો, રેશનકાર્ડ /લાઇટબીલની નકલ સાથે રાખી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ ગ્રામ પંચાયત ખાતે વિ.સી.ઇ.(ઇ-ગ્રામ વિશ્વગ્રામ) ખાતે પહોંચતું કરવાનું રહે છે. ગુજરાત ઇફોર્મેટીકસ લી. દ્વારા હસ્તકલાના કારીગરો માટે ખાસ કારીગર ઓળખકાર્ડ માટેનું સોફટવેર તૈયાર કરાયેલ છે. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને વી.આઇ.સી. મારફતે ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. જેની ઇન્ડેક્ષ્ટ-સી મારફતે ચકાસણી કરી કારીગરોનું આઇ.કાર્ડ તૈયાર કરી તેઓને પહોંચતા કરવામાં આવે છે.
- ઓળખકાર્ડના લાભો
આર્ટીજન ઓળખકાર્ડ કારીગરોને વ્યાવસાયીક સરળ લોન, વિમો, ક્રેડીટ ગેરંટી મેળવવામાં સહાયક બને છે. કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહે છે.
- Advertisement -
ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા રાજય કક્ષાએ /રાષ્ટ્રીય કક્ષાએ યોજાતા મેળાઓમાં ભાગ લઇ ઉત્પાદનના સીધા વેંચાણની તક મળે છે. ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા નામાંકીત સંસ્થાઓ જેવી કે એન.આઇ.ડી., એન.આઇ.એફ.ટી. તથા સી.ઇ.પી.ટી. મારફતે યોજાતા સ્કિલ અપગ્રેડેશનના વર્કશોપ અને સેમિનારમાં ભાગ લઇ કાર્યકુશળતામાં વધારો કરવાની તક મળે છે. રાજય સરકાર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બાબતે મળતા એવોર્ડમાં ભાગ લઇ શકે છે.
ખાસ તો ઇન્ડેક્ષ્ટ-સી ની વેબસાઇટ www.craftofgujarat.gujarat.gov.in માં કારીગરો તેમના દ્વારા તૈયાર થતી ચીજ વસ્તુઓના રજીસ્ટ્રેશન થકી વૈશ્વિક માર્કેટનો હિસ્સો બની સીધો લાભ મેળવી શકે છે.


