બાપા સીતારામ ચોક ખાતે સોજીત્રા પરિવાર દ્વારા આધ્યાત્મિક આયોજન; 800થી વધુ ભક્તો જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પવિત્ર મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રાજકોટના મવડી વિસ્તારમાં ભક્તિ અને આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. શહેરના બાપા સીતારામ ચોક ખાતે શિવભક્ત વિઠ્ઠલભાઈ સોજીત્રા અને વિરાજભાઈ સોજીત્રા દ્વારા આયોજિત સમૂહ પાર્થિવ શિવલિંગ પૂજન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.આ આધ્યાત્મિક મહોત્સવમાં 350થી વધુ યુગલ પરિવારો સહિત અંદાજે 800થી વધુ શિવભક્તોએ સહભાગી થઈને પોતાના હાથે માટીના શિવલિંગ બનાવ્યા હતા. શાસ્ત્રી પિયુષભાઈ પુરોહિત દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાવવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર અને શિવ સ્તુતિથી સમગ્ર મવડી વિસ્તાર શિવમય બની ગયો હતો.
આ સમગ્ર આયોજન સંપૂર્ણપણે નિશુલ્ક રાખવામાં આવ્યું હતું, જેનો તમામ ખર્ચ સોજીત્રા પરિવારે ઉપાડ્યો હતો. સોજીત્રા પરિવાર અગાઉ પણ અનેક શિવકથાઓ અને ધાર્મિક ઉત્સવોના ભવ્ય આયોજન કરી ચૂક્યો છે.
ખાસ કરીને યુવા અગ્રણી વિરાજભાઈ સોજીત્રા નાની ઉંમરે શિવસેવા અને સામાજિક જાગૃતિના કાર્યોમાં સક્રિય રહીને યુવા પેઢી માટે પ્રેરણારૂપ બન્યા છે. કાર્યક્રમના અંતે ભક્તોએ આ પવિત્ર આયોજન બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો અને સમાજમાં આવી ધાર્મિક પરંપરાઓ જળવાઈ રહે તેવી ઈચ્છા પ્રગટ કરી હતી.



