“વન વોર્ડ વન વીક” અભિયાન અંતર્ગત પાલિકા કમિશનરની હાજરીમાં કડક કાર્યવાહી: કેબીનો અને હોર્ડિંગ્સ હટાવાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
- Advertisement -
શહેરના ત્રાજપર ચોકડીથી જૂના ઘૂટું રોડ તરફ જતા માર્ગ પર આજે મહાપાલિકાની ટીમ દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબીમાં ચાલી રહેલા “વન વોર્ડ વન વીક” અભિયાન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં રોડ સાઇડ પર ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવાયેલા આશરે 15 કેબીન અને 15થી વધુ હોર્ડિંગ્સ બોર્ડને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.
ડિમોલેશનની આ કામગીરી દરમિયાન મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોની સ્વયં હાજર રહ્યા હતા. ટીમે માત્ર કેબીનો જ નહીં, પરંતુ દુકાનોના પાકા બાંધકામો, ઓટલા અને ગેરકાયદેસર છાપરાઓ દૂર કરીને રોડની જગ્યા ખુલ્લી કરાવી હતી. આ કાર્યવાહીથી રોડ સાઇડના રસ્તાઓ હવે વધુ મોકળા બનશે.
કમિશનર સ્વપ્નિલ ખરેએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, આગામી દિવસોમાં મોરબીના મુખ્ય માર્ગો અને સર્કલ વિસ્તારોમાં પણ એસ્ટેટ તથા ટીપી શાખા દ્વારા આ જ પ્રકારે નાના-મોટા તમામ કાચા-પાકા દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ ઝુંબેશથી શહેરના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળવાની શક્યતા છે.



