બાઇક-કાર પર ઊભાં રહી તલવાર સમણીને કરશે સૌ કોઈને મંત્રમુગ્ધ
2006થી પેલેસમાં બીજા અને ત્રીજા નોરતે આ રાસ રમાય છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટના પેલેસ રોડ પર રાજવી માંધાતાસિંહજીના પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો પ્રતિ વર્ષ તલવાર રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુન:જીવિત કરે છે. જે અંતર્ગત ક્ષત્રાણીઓ દ્વારા તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. 4 ઓક્ટોબરના રોજ બીજા નોરતે પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને 11થી 55 વર્ષની બહેનો તલવાર રાસની રમઝટ બોલાવશે. ગુજરાતના ગરબા એટલે માત્ર ત્રણ તાળી નહિ, અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે અને અલગ રીતે ગરબા રમાય છે. જેમાં એક રાસ એટલે ગુજરાતના ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવતો તલવાર સાથેનો રાસ છે. રાજકોટના રણજિત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજા નોરતે ક્ષત્રાણીઓના શૌર્ય સમાન તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 150 કરતાં વધુ બહેનો દ્વારા અવનવા કરતબ રજૂ કરવામાં આવશે. હાલ આ રાસની જોરશોરથી તૈયારી રાજવી પેલેસ ખાતે કરવામાં આવી રહી છે. કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. અગાઉ મહિલાઓએ બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ તલવાર પકડીને રાસ કર્યો હતો. રાજકોટના રાજવી પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રિમાં તલવાર રાસ રમાય છે. ગતવર્ષે બીજા અને ત્રીજા નોરતે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ 200 જેટલી ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર રાસ લીધા હતા. આ દરમિયાન બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ પ્રથમ વખત તલવાર રાસ રમી ઉપસ્થિત સૌ કોઇને ઘોડેસવાર વીરાંગનાઓની ઝાંખી કરાવી હતી. આ ઉપરાંત બહેનોએ દીવડા, થાળી અને ટિપ્પણી રાસ પણ રજૂ કર્યો હતો.
તલવાર રાસની પ્રેક્ટિસ કરતાં જાનકીબા ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે ભગિની સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા છેલ્લાં 15 વર્ષથી કાર્યરત છે. જેના પ્રમુખ રાજકોટનાં રાણીસાહેબ કાદમ્બરી દેવી જાડેજા છે. તેમનું માનવું છે કે, સ્ત્રીઓ દરેક કાર્યમાં આગળ વધે અને ઘરની બહાર નીકળી તેમનું કૌશલ્ય બતાવે. જે અંતર્ગત અમે નવરાત્રીમાં તલવાર રાસ રજૂ કરીએ છીએ. તલવાર રાસ એ શક્તિનું પ્રદર્શન છે. આ રાસની સાથે માતાજીની આરાધના માટે અમે પ્રાચીન રાસ પણ રજૂ કરીએ છીએ. જેમાં તાલી રાસ, ગરબા રાસ, દીવા રાસ અને દાંડિયા રાસ સામેલ છે. તલવાર રાસ અહીંનું ખાસ આકર્ષણ છે. જેમાં પણ અમે દર વર્ષે કંઈક નવું કરીએ છીએ. બે વર્ષ પહેલાં અમે બાઈક પર સ્ટંટ કર્યા હતા. ગતવર્ષે ખુલ્લી જીપ અને બુલેટ ઉપર સ્ટંટ કર્યા હતા. આ વર્ષે પણ અમે કાંઈક નવું કરવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. તો આગામી 4 ઓક્ટોબર બીજા નોરતે સૌને અહીં પધારવા વિનંતી છે.
તલવાર રાસ રમીને વિશ્ર્વ વિક્રમ પણ સ્થાપ્યો!
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 13 વર્ષથી સાફા બાંધવાની તાલીમ, હેરિટેજ વોક, પર્યાવરણ જાગૃતિ, સૈનિકોને ઇકો ફ્રેન્ડલી રાખડી મોકલવા સહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભગિની ફાઉન્ડેશન દ્વારા બાઈક પર તલવાર રાસ રમતા શિખવવાની ખાસ શિબિર યોજવામાં આવે છે. અંદાજે પાંચ વર્ષ પહેલાં ક્ષત્રિય સમાજની હજારો બહેનોએ એકસાથે તલવાર રાસ રમીને વિશ્ર્વ વિક્રમ પણ સ્થાપ્યો હતો. ત્યારે આ વર્ષે બાઈક અને જીપ સિવાયના અન્ય કરતબ કરવાની તૈયારી પણ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કરવામાં આવી રહી છે. જેને નિહાળીને લોકો મંત્ર મુગ્ધ થઈ જશે તે નિશ્ર્ચિત છે.