સરકારી કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે પ્રથમવાર એક્સચેન્જ મેળાનું આયોજન
સરકારી કર્મચારીઓ આવતીકાલથી ચાર દિવસ કરશે મતદાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
ચૂંટણીપંચ દ્વારા આ વખતે લોકસભાની ચૂંટણીમાં સૌ પ્રથમવાર પોસ્ટલ બેલેટ માટે એક્ષચેંન્જ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ એક્ષચેંન્જ મેળો ગત તા.15ના અમદાવાદ ખાતે યોજાયા બાદ હવે આગામી તા.27ના બેલેટ પેપરનો બીજો એક એક્ષચેંન્જ મેળો યોજાશે. અગાઉ સરકારી કર્મચારીઓના મતદાનના પોસ્ટલ બેલેટ પોસ્ટ મારફત મોકલાતા હતા પરંતુ આ વખતે સૌ પ્રથમવાર આ પ્રકારનો મેળો આયોજીત કરવામાં આવી રહ્યો છે. આ મેળા મારફતે અન્ય જીલ્લાના કર્મચારીઓ કે જેઓ ચૂંટણી ફરજ માટે રાજકોટ મૂકાયેલ છે તેવા કર્મચારીઓના પોસ્ટલ બેલેટ રાજકોટ આવશે અને મતદાનનો લાભ લઈ શકશે.
રાજકોટથી અન્ય સ્થાનો પર ફરજમાં મુકાયેલા કર્મચારીઓના બેલેટ અન્ય જીલ્લાઓમાં મોકલાશે. રાજકોટમાં અન્ય જીલ્લાના 15 હજાર જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરશે. જયારે રાજકોટથી બહાર ફરજ માટે ગયેલા 7000થી વધુ કર્મચારીઓ તેમના ફરજના સ્થળે મતદાન કરશે. આ તમામ કર્મચારીઓના પોસ્ટલ બેલેટ મતદાન બાદ સૌથી છેલ્લે તા.11ના એકત્રિત કરાશે.
- Advertisement -
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો ભાગ લઈ શકે તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હાલમાં હજારો-લાખો કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ ચૂંટણી ફરજ માટે તૈનાત છે. આ સિવાય સરહદ પર સેનાના જવાનો તૈનાત હોય છે. આવી સ્થિતિમાં આ લોકો પોતાની ફરજ છોડીને ચૂંટણીમાં મતદાન કરવા ઘરે જઈ શકતા નથી. આવા કર્મચારીઓ અને સૈનિકો માટે ચૂંટણી પંચ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાવે છે. ચૂંટણી પંચ અગાઉથી નક્કી કરે છે કે, કેટલા લોકોને પોસ્ટલ બેલેટ આપવાના છે. ત્યારબાદ કાગળ પર છપાયેલા ખાસ બેલેટ પેપર આ લોકોને મોકલવામાં આવે છે. બેલેટ પેપર પ્રાપ્ત કર્યા પછી કાર્યકર તેના મનપસંદ ઉમેદવારને પસંદ કરે છે અને આ બેલેટ પેપર પોસ્ટ દ્વારા ચૂંટણી પંચને પરત કરે છે.