રાજકોટ પોલીસે ચાલું વર્ષે 2.20 કરોડનો દંડ ફટકાર્યો, ટૂ-વ્હીલર માટે હેલ્મેટ ડ્રાઇવ શરૂ
ખાસ-ખબર ન્યૂઝરાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માત અને તેમાં પણ ખાસ કરી ફેટલ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં પૂરપાટ ઝડપે ફોર-વ્હીલર તેમજ હાઇવે પર હેલ્મેટ વગર ટૂ-વ્હીલર ચલાવતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ચાલુ વર્ષે રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ઇન્ટરસેપટર વાહન મારફત દરરોજ બે શિફ્ટમાં ઓવરસ્પીડથી ચાલતા વાહનો સામે કાર્યવાહી કરી રફ્તારના ક્રેઝને રોકી અકસ્માતનો દર ઘટાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત 01.01.2025થી 14.05.2025 સુધીમાં 11,000થી વધુ કેસ કરી 2.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ હાઇવે પર માર્ગ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકોના મૃત્યુદર ઘટાડવા છેલ્લા 4 દિવસથી હેલ્મેટ ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં 1400થી વધુ કેસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
છેલ્લા એક દાયકાથી રાજકોટ શહેરમાં તમામ મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક નિયમનું ચુસ્ત પણે પાલન થાય તે માટે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા મારફત નિયમોના ભંગ કરતા વાહનચાલકોને ઈ-ચલણ મારફત દંડ ફટકારવામાં આવે છે. જો કે, આમ છતાં રાજકોટ વાસીઓ ‘હમ નહિ સુધરેંગે’ જેવુ વર્તન કરતા હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના ઇન્ચાર્જ એસીપી વિનાયક પટેલે જણાવ્યું હતું કે, રાજકોટમાં થતા માર્ગ અકસ્માત ઘટાડવા માટે પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પૂરપાટ ઝડપે જતા વાહનચાલકો પર રોક લગાવવા માટે તેમજ સલામતી પૂર્વક હેલ્મેટ સાથે વાહન ન ચલાવતા લોકો સામે ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી રાજકોટ શહેરમાં એક ઇન્ટરસેપટર વાન ફાળવવામાં આવી છે. જેની અંદર એક સ્પીડ ગન સાથે સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલી હોય છે, જે ઓટોમેટિક વાહનની સ્પીડ કેપ્ચર કરે છે. જો કોઈ વાહનચાલકની સ્પીડ 104 કરતા વધુ હોય તો તેનો સ્પીડ સાથેનો ફોટો કેપ્ચર કરી ઈ-મેમો જનરેટ કરી દેવામાં આવે છે. જેમાં પ્રથમ વખત ઓવરસ્પીડમાં રૂપિયા 2000 અને બીજી વખત રૂપિયા 3000 દંડ ફટકારવામાં આવે છે.