ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રોશની અને ઉજાસના મહાપર્વ એટલે દિવાળી અને આ પર્વને પણ રાજકોટવાસીઓ રંગેચંગે ઉજવી રહ્યા છે. દિવાળીના પર્વ પર લોકો પોતાના આંગણે રંગોળી બનાવતા હોય છે અને રંગોળીનું પણ અનેરું મહત્વ સમાયેલું છે. ત્યારે આખાયે રાજકોટ શહેરનું આંગણું એટલે રેસકોર્સ. આ રેસકોર્સ રિંગ રોડ ફરતે ચિત્રનગરીના કલાકારો તેમજ રાજકોટની જનતા દ્વારા મહાનગરપાલિકા આયોજિત મેગા રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 1000 જેટલા સ્પર્ધકોએ રંગબેરંગી 500 જેટલી રંગોળી બનાવી રિંગ રોડને રંગીન કરી દીધો હતો. રતન ટાટા, દુર્ગા, ગરબા, ડિજિટલ ઈન્ડિયા સહિતની થીમ પર બનેલી રંગોળીએ આકર્ષણ જમાવ્યું હતું. એક જુઓને બીજી ભૂલો તેવી રંગોળી જોઈને લોકો પણ આશ્ચર્યચકિત બની ગયા હતા.
- Advertisement -
શહેરનાં મુખ્ય હાર્દ સમા રેસકોર્સ રિંગ રોડ પર દિવાળી કાર્નિવલ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં આવતીકાલે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગઈકાલે સાંજના 4થી રાત્રિના 12 વાગ્યા સુધી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરીના સહયોગથી રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત 29 ઓક્ટોબરના સાંજે રેસકોર્સ ખાતે ભવ્ય રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અવનવા સ્લોગન સાથેની 25 તો 500 વ્યક્તિગત રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જેમાં સ્લોગન ગ્રુપ કેટેગરીમાં પ્રથમ પાંચ સ્પર્ધકને રૂ. 5,000, વ્યક્તિગત કેટેગરીમાં પ્રથમ 11 સ્પર્ધકનેને રૂ. 5,000, જ્યારે 51 સ્પર્ધકોને રૂ. 1,000નો આશ્વાસન પુરસ્કાર એનાયત કરવામાં આવશે. રાજકોટની જનતા 31 ઓક્ટોબર સુધી રંગોળી નિહાળી શકશે. આ વર્ષે રાજકોટમાં પ્રથમ વખત સ્લોગન ગ્રુપ રંગોળી સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં સ્પર્ધકે રંગોળી સાથે રાજકોટ વિશે પોઝિટિવ સ્લોગન લખવાનું રાખવામાં આવ્યું હતું. કુલ 25 રંગોળી સ્લોગન સાથેની બનાવવામાં આવી હતી. આ રંગોળીની સાઇઝ 5ડ્ઢ15 ફૂટ રાખવામાં હતી. આ ઉપરાંત 500 રંગોળી વ્યક્તિગત સ્પર્ધામાં રંગોળીની સાઈઝ 5ડ્ઢ5 ફૂટ રાખવામાં આવી હતી. સ્પર્ધાના નિયમો પર નજર કરીએ તો સ્લોગન ગ્રુપ રંગોળીમાં રાજકોટ વિશે પોઝિટિવ સ્લોગન સાથે રંગોળીમાં 50 ટકા માર્ક સ્લોગન અને 50 ટકા માર્ક રંગોળીના રહેશે. ત્રણ વ્યક્તિ સાથે મળીને રંગોળી બનાવી શકે તેવો નિયમ રાખવામાં આવ્યો હતો.