રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી
ગોંડલથી આવેલા દર્દી ગૌતમ રાઠોડે એસિડ પીધુ હોવાથી સોનોગ્રાફી કરવાની હતી, દર્દીએ એક કલાક રાહ જોઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સિવિલ હોસ્પિટલનો વિવાદ દિવસેને દિવસે વધતો જાય છે. એક દિવસ પહેલા જ થેલેસેમિયાગ્રસ્ત યુવતીને ફિલ્ટર વગરનું લોહી ચડાવી દેતા મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ફરીથી સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવતા ચકચાર મચી છે. ગોંડલથી આવેલા ગૌતમ જેન્તીભાઈ રાઠોડ નામના દર્દી આવ્યા હતા. જેમની સારવાર કરવાની જગ્યાએ સિવિલનો સ્ટાફ જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. જેને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.
મળતી વિગતો પ્રમાણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ સૌરાષ્ટ્રમાંથી હજ્જારો દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે તેની જવાબદારી પણ વધુ બની જાય છે. પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને વિવાદમાં ફસાવું પસંદ હોય તેમ અવારનવાર તેઓની બેદરકારી સામે આવતી જાય છે. ત્યારે ગોંડલથી એક એસિડ પીધેલી હાલતમાં દર્દી આવ્યા હતા. જેની તપાસ કર્યા બાદ દર્દીને ટ્રોમા સેન્ટરમાં સોનોગ્રાફી માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં દર્દીને બહુ જ કડવો અનુભવ થયો હતો. દર્દી એક કલાક સુધી બહાર બેઠા રહ્યા પરંતુ સોનોગ્રાફી રૂમનો દરવાજો ન ખુલ્યો. ત્યારબાદ જાણવા મળ્યું કે, સોનોગ્રાફી રૂમની અંદર જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કોઈ ઈમરજન્સી કેસ હોય તો દર્દીનું મોત પણ થઈ શકે.
આમ સિવિલ હોસ્પિટલ વિવાદોના વંટોળથી ઘેરાયેલી રહે છે. અગાઉ પણ ખાસ ખબરે સફાઈ, આર.ઓ.પ્લાન્ટ બાબતે સિવિલના સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું. જ્યારે હવે તો હદ થઈ, બર્થ ડેની ઉજવણી સોનોગ્રાફીમાં સેન્ટરમાં થતી હતી અને દર્દી બિચારા બહાર રાહ જોતા હતા. જ્યારે કોઈપણ બાબતે સિવિલના સત્તાધીશોને પૂછવામાં આવે ત્યારે મૌન સેવી લે છે અથવા તો કાર્યવાહી કરીશું કે, ટૂંક સમયમાં થશે તેવી છટકબારી કરે છે.