જૂનાગઢ પોલીસે કાબિલેદાદ કામગીરી કરી: સમગ્ર મામલે વધુ કેટલાંક ખુલાસા કરતી ક્રાઈમ બ્રાન્ચ
સાયનાઈડ ઝેર જેતપુર અને અમદાવાદથી આવ્યું: સાડીને ચમકાવવા માટે સાયનાઈડનો ઉપયોગ કરાય છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગત ર8ના રોજ ગાંધીચોકમાં રીક્ષા ચાલક રફીક હસન ઘોઘારી અને ભરત ઉર્ફે જોન છગન પીઠડીયાની કથીત લઠ્ઠાકાંડમાં મોત થયાનું ચર્ચાએ જોર પકડયુ હતું. ત્યાર બાદ જૂનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચે જીણવટભરી તપાસ શરૂ કરતા બહુચર્ચીત કથીત લઠ્ઠાકાંડ ગુણ સુધી પહોંચીને સાયનાઈડ આપીને હત્યા કરી હોવાનું ખુલ્યુ હતુ. જેમાં મૃતક રફીક હસન ઘોઘારીની પત્નિ મહેમુદા અને તેનો પ્રેમી આશિફ રજાક ચૌહાણ અને ઇમરાન કાસમ ચૌહાણને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ત્યારે પત્નિ સહિત ત્રણની ધરપકડ બાદ સાયનાઈડ કયાંથી આવ્યુ અને કોણ લાવ્યુ તે દિશામાં તપાસ તેજ કરતા જૂનાગઢ ક્રાઇમ બ્રાંચને ઇકબાલ ઉર્ફે આઝાદ ઉર્ફે લાંબો સુલતાનભાઇ હુશેનમીયા શેખને ઝડપી લેવામાં આવ્યો હતો.
જૂનાગઢ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટીના જણાવ્યા અનુસાર ડબલ મર્ડરના ગુનામાં વધુ એક શખ્સની સંડોવણી સામે આવી હતી. વધુ એક ઝડપાયેલા આરોપી ઇકબાલ આઝાદે કબુલ્યુ હતુ કે, મુખ્ય આરોપી આશિફ પોતાનો નાનપણનો મિત્ર હોય અને આશિફને તેના પડોશી રફીકભાઇની પત્નિ મહેમુદાબેન સાથે પ્રેમ સબંધ હોય અને આશિફ આ મહેમુદાબેન સાથે લગ્ન કરવા માંગતો હોય પરંતુ મરણજનાર રફીકભાઇ જીવીત હોય ત્યાં સુધી લગ્ન કરી શકે તેમ ન હોય જેથી રફીકભાઇને સાયનાઈડ નામનુ ઝેર આપી મારી નાખવા માટે આશિફે તેને સાયનાઈડ ઝેર શોધી આપવા અને મદદ કરવાનું કહેતા પોતે પોતાના મિત્રને મદદ કરવા માંગતો હોય પોતાના મિત્ર સરફરાઝ મુસા ખેદારા રહે.જેતપુર મારફતે યશ ચંદુભાઇ ગોંડલીયા રહે.જેતપુર વાળાનો સંપર્ક કરી કપડામાં ચમક લાવવા માટે સાયનાઈડ ઝેર મંગાવતા મજકુર ઇસમ યશ ગોંડલીયાએ અમદાવાદની ઉમા કેમિકલ નામની કંપનીમાંથી આ સાયનાઈડ ઝેર મંગાવી આપતા પોતે આશિફને આપેલુ હતુ અને આશિફે આ ઝેર રફીકભાઇની રીક્ષામાં રહેલ દાવત સોડાની બોટલમાં ભેળવી દેતા બંન્ને રીક્ષા ચાલકના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. જેતપુરનાં સરફરાઝ ખેદારા તથા યશ ગોંડલીયા અને ઉમા કેમિકલ કંપની અમદાવાદવાળાની સાયનાઈડમાં શું ભૂમિકા છે તે દીશામાં ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે. બે રીક્ષા ચાલકોના મોત મામલે મૃતકની પત્નિ સહિત કુલ ચાર ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ તેજ કરી છે.
સાયનાઈડ અંગે ખુલાસો કરતી પોલીસ
જૂનાગઢ અતિ બહુચર્ચીત હત્યા મામલે મુખ્ય સુત્રધાર સુધી પોલીસે અંતે પહોંચી હતી જૂનાગઢના ઇકબાલ ઉર્ફે આઝાદને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જેમાં ઇકબાલ આઝાદે આ સાયનાઈડ જેતપુરના યશ ચંદુભાઇ ગોંડલીયા વાળાનો સંપર્ક કરી કાપડમાં ચમક લાવવા માટે સાયનાઈડ ઝેર મંગાવવામાં આવ્યુ હતુ અને આ સાયનાઈડ અમદાવાદની ઉમા કેમિકલ નામની કંપનીમાંથી સાયનાઈડ ઝેર મંગાવી આપ્યુ હતુ. પોલીસે જેતપુર અને અમદાવાદ તરફ વધુ તપાસ શરૂ કરી છે.
- Advertisement -