બે કરોડ રૂપિયાના ખર્ચે અજંતા ઓરેવા ગ્રુપ પુલને ફરી ઝૂલતો કરશે
જીન્દાલ એલ્યુમિનિયમ અને હિન્ડાલ્કો (બિરલા ગ્રૂપ) જેવી કંપની દ્વારા સ્પેશિયલ ગ્રેડનું મટીરીયલ તૈયાર થઈ રહ્યું છે : એક મહીના સુધી ટીમે પુલના સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની શાન ગણાતો ઐતિહાસિક ઝુલતો પુલ ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં હોય નગરપાલિકા અને અજંતા ઓરેવા ગ્રુપ વચ્ચે ગજગ્રાહ ચાલ્યા બાદ ફરી ઓરેવા ગ્રુપને પુલનું સંચાલન મળ્યું છે ત્યારે અજંતા ઓરેવા કંપની દ્વારા મોરબીના ઐતીહાસીક ઝૂલતા પુલને રીનોવેશન કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે અને અંદાજે રૂપિયા બે કરોડના ખર્ચે અજંતા ઓરેવા ગ્રુપ ઝૂલતા પુલને ઝૂલતો કરશે.
સતત દસ વર્ષ સુધી ઝૂલતા પુલની સફરનો નિરંતર આનંદ માણ્યા બાદ ઝૂલતા પુલમાં રીનોવેશનની જરુરત હોઈ ઝૂલતા પુલને ખોલીને ધરમૂળથી રીનોવેશનની કામગીરી અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે. મોરબીના લોકો ઐતિહાસિક અને અલૌકિક ઝૂલતા પુલનો આનંદ નિરંતર અને લાંબા ગાળા સુધી માણી શકે તે માટે જીન્દાલ એલ્યુમિનિયમ તેમજ હિન્ડાલ્કો (બિરલા ગ્રુપ) જેવી કંપનીનો સંપર્ક કરીને તેમની પાસેથી સ્પેશીયલ ગ્રેડનું મટીરીયલ તૈયાર કરાવાઈ રહ્યું છે. ઝૂલતા પૂલને વધુ મજબૂત બનાવવા ઓરેવા ગ્રુપ અને ફેબ્રીકેટરની ટીમ દ્વારા આશરે એક મહિના સુધી પુલના સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યા બાદ રીનોવેશન માટે અંદાજીત બે કરોડ રૂપિયા ખર્ચ કરી અલગ-અલગ મટિરિયલનો ઉપયોગ કરી રીનોવેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઝૂલતા પુલને ખોલીને રીનોવેશન કરવાની કામગીરી આશરે 4 થી 5 માસ ચાલશે અને ત્યારબાદ ઐતીહાસીક ઝૂલતા પુલને જનતા માટે ફરી ખુલ્લો મુકાશે.